પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પોલીસની લોકોને જળાશયોથી દૂર રહેવા સૂચના
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારા દ્વારા જનતાને અપીલ કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
પ્રતિનિધિ વડોદરા તા.3
ધૂળેટીના તહેવાર દરમિયાન નદી અને તળાવ સહિતના જળાશયોમાં લોકોના ડૂબી જવાના બનાવો બનતા હોય છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા મહીસાગર નદી અને તેની આસપાસના જળાશયોમાં નહાવા કે ઉતરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો આ આદેશનું પાલન નહી કરીને જળાશયોમાં નહાવા માટે જશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પોલીસ દ્વારા ઉચારવામાં આવી છે.
ધૂળેટીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં યુવકો સહિતના લોકો નદીઓ, તળાવો અને નહેરોમાં નહાવા માટે જાય છે અને તેમાંથી ઘણાખરા લોકોના ડૂબી જવાના કારણે મોત થાય છે. ત્યારે આવા બનાવોનું ફરી તહેવાર દરમિયાન પુનરાવર્તન ના થાય તેના માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા એડિશનલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરીને મહીસાગર નદીના કિનારાના વિસ્તારો જેવા કે ફાજલપુર, મહીપુરી માતા મંદિર અને રાયકા ખાતે નદીમાં ઉતરવા કે નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું 4 માર્ચ ધૂળેટીના દિવસ માટે અમલી રહેશે.
નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.વાઘેલાની સુચના અન્વયે પોલીસ દ્વારા આ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવશે. પોલીસે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને જળાશયોથી દૂર રહેવા જાહેરાત કરતી સૂચના આપવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરીને નદીમાં સહિતના કુદરતી જળાશયોમાં નહાવા માટે જશે તો તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે વહીવટી તંત્રને સહકાર આપે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહભાગી થવા માટે પણ અપીલ કરાઇ છે.