ગાંધીનગર: રાજકોટમાં રવિવારે સૌરાષ્ટ્ર રિજનની મહત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના આઈજી, રાજકોટ પોલીસ કમિશનર, વિવિધ જિલ્લાઓના એસપી, એએસપી, ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વધતા સાયબર ગુનાઓ અને દરિયાકાંઠે ઝડપાતા ડ્રગ્સના કેસો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને કડક કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
ડીજીપી રાવે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સતત ઝડપાતા નશીલા પદાર્થોના કેસો ગંભીર બાબત છે. આ દિશામાં વધુ સઘન તપાસ, ઇન્ટેલિજન્સ મોનિટરિંગ અને સંકલિત ઓપરેશન હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવા માટે દરિયાઈ માર્ગોની કડક દેખરેખ જરૂરી છે.
સાયબર ફ્રોડમાં “ગોલ્ડન અવર્સ” સૌથી મહત્વપૂર્ણ
રાજ્યમાં વધતા સાયબર ફ્રોડ અંગે ડીજીપી રાવે નાગરિકોને ખાસ ચેતવણી આપી. તેમણે કહ્યું કે આવા કેસોમાં “ગોલ્ડન અવર્સ” અત્યંત મહત્વના હોય છે. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો તરત જ 1930 હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવો. સમયસર ફરિયાદ કરવાથી ખાતું ફ્રીઝ કરી રકમ રોકી શકાય છે, મોડું ફરિયાદ કરવાથી રિકવરી મુશ્કેલ બની જાય છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના કેસોમાં અંદાજે રૂ. 50 કરોડથી વધુ રકમ પીડિતોને પરત અપાઈ છે. ડીજીપી રાવે નાગરિકોને અપીલ કરી હતી કે લોન, ઇન્વેસ્ટમેન્ટ અથવા અન્ય ઓનલાઈન ઓફરોમાં ફસાતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરે. શંકાસ્પદ કોલ, લિંક અથવા મેસેજથી દૂર રહે અને સાયબર ગુનાની શંકા થાય તો તરત જ સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરે.સૌરાષ્ટ્ર રિજનની આ ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા અને સાયબર તથા ડ્રગ્સ ગુનાઓ સામે કડક અભિગમ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.
બોમ્બ ધમકીઓમાં વિદેશી VPNનો ઉપયોગ
રાજ્યની સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્કૂલોને મળેલી બોમ્બ ધમકીઓ અંગે ડીજીપી રાવે જણાવ્યું હતું કે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ સોર્સ સુધી પહોંચી ગઈ છે. ઘણાં કેસોમાં વિદેશ આધારિત VPN અને ફેક આઈડી દ્વારા કોલ અને ઈમેલથી ધમકીઓ આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને ઉચ્ચ સ્તરની ક્રાઈમ બ્રાન્ચ ટીમો ટેકનિકલ તપાસ કરી રહી છે.
દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે સંકલન
ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર થયેલા હુમલાને પગલે દુબઈ જતી ફ્લાઈટો બંધ થતાં ત્યાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ડીજીપી રાવે જણાવ્યું કે રાજ્ય પોલીસ વિદેશ મંત્રાલય સહિતની એજન્સીઓ સાથે સતત સંકલનમાં છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોઈપણ બનાવ બન્યાના બાદ પોલીસના રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ સકારાત્મક સંકેત છે.