ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસની મોટી કાર્યવાહી
હોળી પહેલાં બુટલેગરોને ઝાટકો, ટ્રક ચાલક અટકાયત હેઠળ
| દેવગઢ બારીઆ:
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસ દ્વારા મોટી પ્રોહિબીશન કાર્યવાહી કરવામાં આવી છે. નાકાબંધી દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી ભુસીના થેલાઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હોળી તહેવારને ધ્યાનમાં રાખી બુટલેગરો દ્વારા મોટા પાયે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ટ્રકમાં ઉપરથી ભુસીના થેલાઓ ભરી દારૂ સંતાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે કુલ 37,440 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો, જેની અંદાજીત કિંમત આશરે રૂ. 1.01 કરોડ થાય છે.
પોલીસે દારૂનો જથ્થો ઉપરાંત ટ્રક સહિત કુલ રૂ. 1,11,09,300 રૂપિયાનું મુદ્દામાલ કબ્જે કર્યું છે. આ કાર્યવાહીથી હોળી પહેલાં દારૂ સપ્લાય કરવાનો બુટલેગરોનો પ્લાન નિષ્ફળ ગયો છે.
પોલીસે ટ્રકના ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂ કોને પહોંચાડવાનો હતો, પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું છે તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: નવીન સિક્લીગર