ડ્રોન હુમલા અને એરસ્ટ્રાઈકથી સરહદ પર તણાવ ચરમસીમાએ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો છે. પાકિસ્તાનના માહિતી મંત્રી Attaullah Tararએ દાવો કર્યો છે કે તાજેતરની સૈન્ય કાર્યવાહી દરમિયાન લગભગ 300 અફઘાન તાલિબાન અને તેમના સાથી લડવૈયાઓ માર્યા ગયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સતત હવાઈ અને ભૂમિ સ્તરના હુમલાઓ ચાલી રહ્યા છે, જેના કારણે આખી સરહદ પર સ્થિતિ તંગ બની ગઈ છે.
પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ‘Operation Ghazab lil-Haq’ હેઠળ સૈન્યએ તાલિબાનના અનેક ઠેકાણાઓ પર હુમલા કર્યા. મંત્રીના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ કુલ 297 લડવૈયાઓને ઠાર કર્યા અને 450થી વધુને ઇજા પહોંચી છે. આ કાર્યવાહી દરમિયાન તાલિબાનના 89 પોસ્ટ નષ્ટ કરવામાં આવ્યા અને 18 પોસ્ટ કબજે લેવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે. ઉપરાંત, લગભગ 135 ટાંક અને આર્મર્ડ વાહનો નષ્ટ કરાયા હોવાનું પાકિસ્તાનનું કહેવું છે.
પાકિસ્તાન એરફોર્સે અફઘાનિસ્તાનના લગભગ 29 સ્થળોને નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને કાબુલ, કંદહાર અને અન્ય વિસ્તારોમાં થયેલા હવાઈ હુમલાઓ પછી બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. તેના જવાબમાં તાલિબાને ‘Operation Rad al-Zulm’ શરૂ કરીને પાકિસ્તાનના સૈન્ય કેમ્પ પર ડ્રોન હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સુરક્ષા સૂત્રો મુજબ મિરાનશાહ અને સ્પિનવામમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા.
આ દરમિયાન Antonio Guterresએ વધતા સંઘર્ષ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે બંને દેશોને તાત્કાલિક હિંસા બંધ કરીને રાજનૈતિક માર્ગે ઉકેલ શોધવા અપીલ કરી છે. યુએનના પ્રવક્તા Stephane Dujarricએ જણાવ્યું કે સતત વધતી હિંસા નાગરિકો પર ગંભીર અસર કરી રહી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસકો તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ સંવાદ માટે તૈયાર છે. જોકે સરહદ પર ગોળીબાર અને હવાઈ હુમલાઓ ચાલુ રહેતા સ્થિતિ હજુ પણ અતિ સંવેદનશીલ છે. અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે 2,600 કિલોમીટર લાંબી સરહદ પર સતત પ્રતિહુમલાઓ થઈ રહ્યા છે.
પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેનો આ તાજો સંઘર્ષ દક્ષિણ એશિયાની સુરક્ષા માટે મોટો મુદ્દો બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય હવે બંને દેશો વચ્ચે તાત્કાલિક શાંતિ અને ચર્ચાની માંગ કરી રહ્યો છે. જો તણાવ યથાવત રહેશે તો આ સંઘર્ષ વધુ મોટા ક્ષેત્રમાં ફેલાઈ શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.