પાણી, રસ્તા અને બ્રિજ રિપેરિંગ પર વિશેષ ભાર: બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર સુવિધા ઉભી કરાશે, સયાજીબાગ ઝૂનો પણ વિકાસ થશે
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની મહત્વની બેઠક અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને જનસુવિધાને સ્પર્શતી કુલ 21 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જે તમામ પર વિસ્તૃત ચર્ચાના અંતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં પાણી પુરવઠાના કામો, રસ્તાની મરામત અને જાહેર સુવિધાના કામોનો સમાવેશ થાય છે.
શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સમિતિએ મહત્વના નિર્ણયો લીધા છે. પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 10 અને 11માં પાઈપલાઈન નાખવાના કામ માટે વધારાના ₹70-70 લાખની નાણાકીય મર્યાદા અને 6 મહિનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. દક્ષિણ ઝોનના વોર્ડ નં. 19માં પાણીની નળિકા, ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ બનાવવા માટે ₹1.50 કરોડનો વાર્ષિક ઈજારો મંજૂર કરાયો છે. આ ઉપરાંત નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ₹36.55 લાખના ખર્ચે નવા બે ડીજી સેટ ખરીદવામાં આવશે.
ચોમાસા બાદ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓની દુરસ્તી માટે કોર્પોરેશન દ્વારા ચારેય ઝોનમાં ‘કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પોટહોલ પેચિંગ મશીન’ દ્વારા કરવામાં આવેલી ₹1.69 કરોડની કામગીરીને સમિતિએ જાણમાં લીધી છે. સાથે જ, વિશ્વામિત્રી નદી પર આવેલા બાલભવન અને મુજમહુડા રિવર બ્રિજના સ્ટ્રક્ચરના રિપેરિંગ માટે અંદાજે ₹1.18 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.
સેન્ટ્રલ સ્ટોર માટે ₹1 કરોડના ખર્ચે વોટર કુલર અને આરો સિસ્ટમની ખરીદી કરાશે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં ફેલાતી દુર્ગંધ રોકવા માટે જંતુનાશક દવાઓની ખરીદીમાં 25%નો વધારો મંજૂર કરાયો છે. સયાજીબાગ ઝૂના સિવિલ કામો માટે પણ ₹30 લાખની વધારાની રકમ ફાળવવામાં આવી છે.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે પાલિકાની ‘પરીક્ષા લક્ષી’ સુવિધા…
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરના તમામ પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણીની વ્યવસ્થા, ટેબલ-ખુરશી અને બેકડ્રોપ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટેની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂર કરી છે. આ ઉપરાંત પાલિકાની વર્ષ 2026ની 36,000 ડાયરીઓ છપાવવાની કામગીરીને પણ કમિશનરની અપેક્ષાએ મંજૂરી આપી દેવામાં આવી છે.