ઝોન-11માં વાઇસ ચેરમેન જી.બી. સોલંકીનો દબદબો, 7 માર્ચ બાદ ખરાખરીના જંગનું ચિત્ર સ્પષ્ટ થશે
વડોદરા: વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન અને સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા ‘બરોડા ડેરી’ની આગામી ચૂંટણીને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ડેરીની કુલ 13 બેઠકો માટે કુલ 55 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે આગામી દિવસોમાં ખરાખરીનો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વાઇસ ચેરમેન જી. બી. સોલંકી સામે કોઈ ઉમેદવાર ઉભો નહીં રહેતા તેમની બિનહરીફ જીત નિશ્ચિત થઈ છે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, હવે તમામની નજર ફોર્મની ચકાસણી પર છે. 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી અધિકારી દ્વારા ભરાયેલા તમામ ફોર્મની કાયદેસરની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા નથી તેઓ 7 માર્ચ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. 7 માર્ચની સાંજ સુધીમાં ખબર પડશે કે કેટલી બેઠકો પર સીધો જંગ જામશે અને કેટલી બેઠકો બિનહરીફ જાહેર થશે.
બરોડા ડેરીની આ ચૂંટણી માત્ર રાજકીય પ્રતિષ્ઠાનો વિષય નથી, પરંતુ તે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના હજારો પશુપાલકોના આર્થિક હિતો સાથે જોડાયેલી છે. ડેરીના વહીવટમાં આવતું પરિવર્તન દૂધના ભાવ નિર્ધારણ અને પશુપાલકોને મળતા બોનસ પર સીધી અસર કરે છે, જેને કારણે બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બરોડા ડેરીની આ ચૂંટણીમાં સૌથી મોટા સમાચાર ઝોન-11 માંથી સામે આવ્યા છે. આ બેઠક પર વર્તમાન વાઈસ ચેરમેન જી. બી. સોલંકી સામે અન્ય કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભરવાની હિંમત દાખવી નથી. માત્ર એક જ ફોર્મ ભરાતા જી. બી. સોલંકીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. જો 28 ફેબ્રુઆરીએ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ ટેકનિકલ રીતે માન્ય ઠરશે, તો તેઓ સત્તાવાર રીતે વિજેતા જાહેર થશે. આ જીત સાથે સોલંકીએ ચૂંટણી પૂર્વે જ પોતાનો દબદબો સાબિત કરી દીધો છે.