Charotar

કેનેડા વર્ક પરમિટના નામે નકલી UCI નંબર અને ઓફર લેટર આપી ચિટિંગ

તારાપુરના 3 વિદેશ વાંચ્છુ યુવાનો સાથે રૂ. 45.54 લાખની છેતરપિંડી
વિદ્યાનગર પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધાયો
(પ્રતિનિધિ) આણંદ | તા. 26
કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના બહાને આણંદ જિલ્લાના તારાપુરના ત્રણ વિદેશ વાંચ્છુ યુવાનો સાથે રૂ. 45.54 લાખની મોટી છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ મામલે આણંદના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી એક કન્સલ્ટન્સીના એજન્ટો સામે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ’ના નામે વિશ્વાસઘાત
પ્રાપ્ત વિગતો મુજબ, તારાપુરના સંદીપકુમાર પારેખ, તેમના સાળા વિજયકુમાર અને ભત્રીજા પાર્થ કેનેડા જવા ઇચ્છતા હતા. તેઓ વિદ્યાનગર સ્થિત શ્રીજી ઇન્ટરનેશનલ નામની કન્સલ્ટન્સીના સંપર્કમાં આવ્યા હતા. ત્યાંના એજન્ટ પુનિયા ધરમવીર યશવીર (રહે. વિદ્યાનગર) અને હર્ષલ ચંદ્રકાંત આચાર્ય (રહે. અમદાવાદ)એ ‘ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ’ હેઠળ વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી.
નકલી UCI નંબર અને ઓફર લેટર
એજન્ટોએ વિશ્વાસ જીતવા માટે ‘Government of Canada’ના નામે નકલી UCI નંબર અને એપ્લિકેશન નંબર આપ્યા હતા. ઉપરાંત કેનેડાની ‘ન્યુ એગ્રો’ કંપનીનું નકલી ઓફર લેટર પણ આપવામાં આવ્યું હતું. 115 દિવસમાં વિઝા સ્ટેમ્પ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
VFS પાસપોર્ટ પરત આવ્યા, વિઝા નહોતું
ગત 1 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે ત્રણેય યુવાનોના પાસપોર્ટ VFS ઓફિસથી પરત આવ્યા, ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનું વિઝા સ્ટેમ્પ નહોતું. સાથે આવેલા કેનેડા સરકારના પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ નામે કોઈ વિઝા પ્રક્રિયા ક્યારેય કરવામાં આવી જ નથી.
પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા સંદીપકુમાર પારેખે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંને એજન્ટો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top