
(પ્રતિનિધિ) વડોદરા, તા. 26:
શહેરના પોશ ગણાતા સનફાર્મા રોડ પર 14 ફેબ્રુઆરીની મોડી રાત્રે સર્જાયેલા ભયાનક હિટ એન્ડ રન અકસ્માતે સમગ્ર વડોદરાને હચમચાવી દીધું છે. પૂરપાટ ઝડપે દોડતી થાર કાર દ્વારા એક્ટિવા ચાલક અભિષેક વાસુદેવ મોરેને પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અભિષેક મોરે પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ત્રણ યુવતીઓ સવાર લક્ઝરી થાર કાર બેફામ ઝડપે આવી તેમને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેઓ દૂર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે જીવ ગુમાવ્યો હતો.
આ કેસમાં આરોપીઓને ત્વરિત જામીન મળતાં શહેરમાં અને સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ ફેલાયો છે. મામલો હવે રાજકીય રંગ પકડ્યો છે. શહેર શિવસેના પ્રમુખ દીપક પાલકરે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી આરોપીઓના જામીન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. સાથે જ કડક કલમો હેઠળ ગુનો નોંધી સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
શિવસેનાએ શહેરના રસ્તાઓ પર રાત્રિ દરમિયાન વધતી નશાખોરી અને રેસિંગની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ લાવવા કડક પગલાં ભરવાની માંગણી કરી છે.
દીપક પાલકરે જણાવ્યું હતું કે, “નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથોને આટલી સરળતાથી જામીન ન મળવા જોઈએ. અમે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ.”
હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. શહેરમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આરોપીઓને બચાવવા કોઈ દબાણ તો નથી ને? હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર રજૂઆત બાદ શું કડક પગલાં ભરે છે.