Halol

યાત્રાધામ પાવાગઢમાં વેપારીઓ સાથે પોલીસની મહત્વપૂર્ણ બેઠક

યાત્રિકોની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા જાળવવા ‘સુરક્ષા સેતુ’ પર વિશેષ ભાર
હાલોલ | તા. 25
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધંધો કરતા તમામ દુકાનદારો અને વેપારીઓ સાથે પાવાગઢ પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પાવાગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. વોરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં યાત્રિકોની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન પી.આઈ. એ.બી. વોરાએ રાજ્ય સરકારના “સુરક્ષા સેતુ” અભિયાન અંતર્ગત પાવાગઢ વિસ્તારમાં શિસ્ત અને સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યભર તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે મુશ્કેલી ન પડે તે માટે વેપારીઓ અને દુકાનદારોની જવાબદારી મહત્વપૂર્ણ છે.
પોલીસ દ્વારા વેપારીઓને યાત્રિકો સાથે સન્માનપૂર્ણ અને સારો વ્યવહાર રાખવા, ગેરવર્તણૂક ન કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, યાત્રિકોની કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા કોઈ મદદની જરૂર પડે તો તરત પોલીસને માહિતી આપી સહકાર આપવાની અપીલ કરવામાં આવી.
પાવાગઢની પ્રતિષ્ઠા જળવાઈ રહે અને યાત્રિકોને સકારાત્મક તથા સુરક્ષિત અનુભવ મળે તે માટે તમામ વેપારીઓને જવાબદારીપૂર્વક વર્તવા જણાવાયું હતું. બેઠકના અંતે વેપારીઓએ પણ પોલીસ સાથે પૂર્ણ સહકાર આપવાની અને યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રતિનિધિ : યોગેશ ચૌહાણ

Most Popular

To Top