World

યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત ફળી: જેવરથી નોઇડા સુધી વિકાસનો માર્ગ, યુપીને મળ્યા 3 મોટા પ્રોજેક્ટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત દરમિયાન રાજ્યને મોટો રોકાણ પ્રસ્તાવ મળ્યો છે. યુનિવર્સલ સક્સેસ ગ્રુપ દ્વારા કુલ 6,650 કરોડના 3 સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રોકાણ ગ્રુપ હાઉસિંગ, લોજિસ્ટિક્સ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં કરવામાં આવશે. આ ત્રણેય પ્રોજેક્ટ દ્વારા 20,000થી વધુ યુવાનોને રોજગારી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રોકાણકારોને રાજ્યની નીતિ સ્થિરતા, મજબૂત કનેક્ટિવિટી અને ઝડપથી વિકસતા ઔદ્યોગિક માળખા અંગે વિગતવાર માહિતી આપી. તેમણે રોકાણકારોને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર દરેક સ્તરે સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. સાથે જ ડેટા સેન્ટર સ્થાપના માટે લખનઊની મુલાકાત લેવા માટેનું પણ આમંત્રણ પણ આપ્યું છે.

પ્રથમ પ્રોજેક્ટ હેઠળ યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં જેવર એરપોર્ટ નજીક 100 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય થીમ આધારિત ટાઉનશીપ વિકસાવવામાં આવશે. આ માટે ₹3,500 કરોડનું રોકાણ થશે અને આશરે 12,000 લોકોને રોજગાર મળશે. આ પ્રોજેક્ટ 2027 સુધી કાર્યરત થવાની સંભાવના છે. બીજા પ્રોજેક્ટ તરીકે કાનપુર-લખનઊ હાઇવે પર 50 એકર જમીન પર લોજિસ્ટિક્સ પાર્ક ઉભું કરવામાં આવશે. અંદાજે ₹650 કરોડના રોકાણથી વિકસાવાનારા આ પાર્કથી આશરે 7,500 રોજગાર તકો ઊભી થશે. આ પ્રોજેક્ટ પણ 2027 સુધી શરૂ થવાની ધારણા છે. ત્રીજા પ્રોજેક્ટ અંતર્ગત નોઇડા અથવા ગ્રેટર નોઇડા વિસ્તારમાં 10 એકર જમીન પર 40 મેગાવોટ ક્ષમતા ધરાવતો હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પાર્ક બનાવાશે. તેમાં 2,500 કરોડનું રોકાણ થશે અને લગભગ 1,500 લોકોને રોજગાર મળશે. આ પ્રોજેક્ટ 2028 સુધી કાર્યરત થવાની અપેક્ષા છે. રાજ્ય સરકારના મતે, આ રોકાણો ઉત્તર પ્રદેશને ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો સર્જશે.

Most Popular

To Top