સ્થાનિક પોલીસથી લઈ શહેરની એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ
બુટલેગર સહિત 3ની ધરપકડ, મુખ્ય મહિલા આરોપી સહિત 8 વોન્ટેડ
₹14.14 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા, તા. 23
વડોદરા શહેરના ‘મીની દમણ’ તરીકે ઓળખાતા સમા વિસ્તારમાં ફરી એકવાર શહેર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસ તેમજ પીસીબી, ડીસીબી અને એસઓજી જેવી શહેરની એજન્સીઓ દારૂના બેફામ ધંધા સામે આંખ મીંચી બેઠી હોવાના સમયે **સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)**એ સમા વિસ્તારમાં રેડ કરીને રૂ.13.58 લાખનો દેશી તથા વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રેડ દરમિયાન દારૂ, મોપેડ, રોકડ રકમ અને ચાર મોબાઈલ મળી કુલ રૂ.14.14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બહારની એજન્સી રેડ કરે, શહેર પોલીસનું ‘નાક કપાય’
સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 24 કલાક દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ અને શહેરની વિવિધ બ્રાન્ચો દ્વારા ત્યાં રેડ કેમ કરવામાં આવતી નથી તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પરિણામે બહારની એજન્સી વારંવાર સમા વિસ્તારમાં રેડ કરે છે અને વડોદરા શહેર પોલીસ તંત્ર ઉંઘતું ઝડપાય છે.
દુમાડ ચોકડી રોડ પર દરોડો, ત્રણ ઝડપાયા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તા. 22 ફેબ્રુઆરીના રોજ સમા પોલીસ હદમાં આવેલા દુમાડ ચોકડી રોડ, સુરેન્દ્રનગર સામે સરોજ ભલા માળીના મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી વિદેશી તથા દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. SMCએ IMFLના મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
મુખ્ય મહિલા બુટલેગર સહિત 8 વોન્ટેડ
આ કેસમાં મુખ્ય મહિલા બુટલેગર સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા દારૂ સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સમા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.
હપ્તાખોરીની ચર્ચા જોરમાં
સ્થાનિક વિસ્તારમાં બુટલેગરો બેખૌફ દારૂ વેચતા હોવા છતાં પોલીસને કશું ન દેખાવું, તે પાછળ હપ્તાખોરીની ચર્ચા ફરી જોર પકડી રહી છે. લોભિયા કર્મચારીઓ અને અધિકારીઓના કારણે સમગ્ર પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યો હોવાની ટીકા પણ ઉઠી રહી છે.
ઝડપાયેલા આરોપીઓ
કનુ ભલાભાઈ માળી
(રહે. યોગેશ્વર પેટ્રોલ પંપ, દુમાડ ક્રોસ રોડ, તળાવ પાસે, સમા, વડોદરા) – IMFLનો મુખ્ય આરોપી
હિમ્મત ઉર્ફે અબ્બો શંકરભાઈ માળી
(રહે. સંજીવનગર, સમા, વડોદરા)
ગૌતમસિંહ ગોપાલસિંહ પરમાર
(રહે. સ્વામિનારાયણ ટેનામેન્ટ, આશાપુરી મંદિર પાસે, છાણી, વડોદરા)
વોન્ટેડ આરોપીઓ
સરોજબેન ભલાભાઈ માળી – મુખ્ય આરોપી
કૈલાશબેન શંકરભાઈ માળી
શંકર ભલાભાઈ માળી
બંટો (સપ્લાયર)
શાહરૂખ શેખ (સપ્લાયર)
સન્ની સિંહ ઉર્ફે બાપુ (સપ્લાયર)
રફીક દિવાન (ફતેપુરા, વડોદરા – સપ્લાયર)
રવિ રાજપૂત (સપ્લાયર)