ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માત્ર કાગળ પર ? ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ દોડતા મોતના સોદાગરો
અકસ્માતમાં કારને ભારે નુકશાન પહોંચ્યું, સદનશીબે મોટી જાનહાનિ ટળી
વડસર થી તરસાલી તરફ જવાના માર્ગ પર સર્જાયો અકસ્માત
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરા શહેરના રાજમાર્ગો હવે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા વડસર-સુસેન રોડ ભારે વાહનોએ બે કારને અડફેટે લેતા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. એક તરફ તંત્ર ટ્રાફિક નિયમોની વાતો કરે છે, તો બીજી તરફ પ્રતિબંધિત સમયમાં ડમ્પર અને મિક્સર જેવા યંત્રો કોની પરવાનગીથી રસ્તા પર ઉતરી આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાની વિગત મુજબ, વડસર-સુસેન રોડ પર પ્રથમ અકસ્માત ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે ગફલતભરી રીતે કારને ટક્કર મારી હતી. કારમાં સવાર પરિવાર તરસાલી ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે, પરંતુ કારને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. તેવામાં આ ભય હજુ ઓસરે તે પહેલા જ એક કોંક્રિટ મિક્સર મશીને બીજી કારને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. સદનશીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સવાલ એ છે કે જો કોઈ ટુ-વ્હીલર સવાર આ અકસ્માતનો ભોગ બન્યું હોત તો જવાબદાર કોણ ?

સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે નો-એન્ટ્રીના સમયમાં પણ આ રૂટ પર ભારે વાહનોનો જમાવડો જોવા મળે છે. ચેકપોસ્ટ અને પોલીસ હોવા છતાં આ ભારદારી વાહનો શહેરમાં ઘૂસે છે કેવી રીતે ? શું પોલીસ માત્ર હેલ્મેટ અને પીયુસીના નામે સામાન્ય જનતાને દંડવામાં જ વ્યસ્ત છે ? આ અકસ્માતોએ સાબિત કરી દીધું છે કે વડોદરાના રસ્તાઓ પર હવે નિયમોનું શાસન નહીં, પણ માતેલા સાંઢ માફક દોડતા ભારે વાહનોનું સામ્રાજ્ય છે.