5 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી માનસિક ત્રાસ, 16 લાખની માંગણી
વડોદરા તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહીથી સાયબર ફ્રોડ અટકાવ્યો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 22
વડોદરાના એક નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સાયબર ઠગોએ પાંચ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખી ગંભીર માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને રૂ. 16 લાખની માંગણી કરી હતી. જોકે, બેંક મેનેજરની સતર્કતા અને તાલુકા પોલીસની સમયસર કાર્યવાહીથી આ રકમ સાયબર ઠગના ખાતામાં RTGS થતી અટકાવી સિનિયર સિટીઝનને મોટા સાયબર ફ્રોડમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાંચના મેનેજર દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, એક સિનિયર સિટીઝને ગઇકાલે રૂ. 20 લાખની FD તોડાવી છે અને આજે તે રકમ કોઇ અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવા આવ્યા છે. સિનિયર સિટીઝન ગભરાયેલી હાલતમાં હતા તથા સતત વીડિયો કોલ પર કોઇ સાથે વાત કરી રહ્યા હતા. પૈસા કોને અને કેમ ટ્રાન્સફર કરવા છે તે અંગે સ્પષ્ટ જવાબ ન મળતા બેંક મેનેજરને શંકા જતા તાત્કાલિક તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાં તાલુકા પોલીસ મથકની ટીમ તરત જ બેંક ખાતે પહોંચી અને ભોગ બનનાર સિનિયર સિટીઝનને પોલીસ મથક લઇ જઈ સમગ્ર હકીકત જાણી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગત તા. 16 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે 2 વાગ્યાના અરસામાં TRAI, દિલ્હી ખાતેથી રામ મિશ્રા નામના ઇસમનો ફોન આવ્યો હતો. તેણે સિનિયર સિટીઝનને તેમના નામે કેટલા સિમ કાર્ડ છે તે અંગે પુછ્યું હતું અને જણાવ્યું હતું કે, તેમના સિમ કાર્ડનો ખોટી રીતે ઉપયોગ થયો હોવાથી કેસ મુંબઇ ક્રાઇમ બ્રાંચને મોકલવામાં આવ્યો છે.
બાદમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે સંદીપ રાવ નામના ઇસમ દ્વારા વોટ્સએપ વીડિયો કોલ કરી જણાવવામાં આવ્યું હતું કે, જેટ એરવેઝના CEO નરેશ ગોયેલ સામે રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન મળેલા ATM કાર્ડોમાં તમારું કેનેરા બેંકનું ATM કાર્ડ મળ્યું છે અને તેમાં રૂ. 2 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે, જેમાંથી 10 ટકા કમિશન તરીકે રૂ. 20 લાખ તમારા ખાતામાં જમા થયા હોવાનું ખોટું કહેવામાં આવ્યું હતું.
સાયબર ઠગોએ મુંબઇ ક્રાઇમ બ્રાંચ તથા સુપ્રીમ કોર્ટના બનાવટી દસ્તાવેજોના ફોટા મોકલી સિનિયર સિટીઝનને માનસિક રીતે તોડી નાખ્યા હતા અને પાંચ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખ્યા હતા. મની લોન્ડરિંગના કેસમાંથી બચવા માટે રૂ. 16 લાખ તાત્કાલિક RTGS દ્વારા આનંદ ફાઇનાન્સ બેંક, ગુડગાંવમાં મોકલવા દબાણ કરવામાં આવ્યું હતું. રકમ ન આપો તો ઘરે પોલીસ મોકલી ધરપકડ કરી જેલમાં મોકલવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ દબાણ હેઠળ સિનિયર સિટીઝનને ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાંચ ખાતે તેમની FD તોડાવવા મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ સતત ફોન કોલ ચાલુ રાખી બેંક સ્ટાફ સાથે કોઇ વાત ન કરવા ધમકીઓ આપી હતી. જોકે, બેંક મેનેજરની સમજદારીથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા RTGS ટ્રાન્ઝેક્શન સમયસર અટકાવી દેવાયું હતું.
પાંચ દિવસથી ડિજિટલ અરેસ્ટમાં રહેલા નિવૃત્ત સિનિયર સિટીઝનને તાલુકા પોલીસ દ્વારા મોટા સાયબર ફ્રોડના આર્થિક તેમજ માનસિક નુકસાનથી બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સાયબર ગુનેગારો સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.