World

Vaticanનું ‘બોર્ડ ઓફ પીસ’થી અંતર,વૈશ્વિક સંકટ માટે United Nations પર જ ભાર

Donald Trumpની પહેલ પર પ્રશ્નચિહ્ન, વેટિકનનો સ્પષ્ટ સંદેશ – શાંતિનો માર્ગ યુએનથી જ પસાર થાય,અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ’માં વેટિકન જોડાશે નહીં, તેવી સ્પષ્ટ જાહેરાત વેટિકનના ટોચના રાજદ્વારી અધિકારીએ કરી છે. વેટિકને ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થતા સંકટોના નિવારણ માટે મુખ્ય ભૂમિકા સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા, એટલે કે United Nationsએ જ નિભાવવી જોઈએ.

‘બોર્ડ ઓફ પીસ’થી દૂર વેટિકન: યુએનને જ સોંપો વૈશ્વિક સંકટ વ્યવસ્થાપન,આ બોર્ડની શરૂઆત ગાઝાના પુનર્નિર્માણ માટે દેખરેખ રાખવાના હેતુથી કરવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ તેનો વ્યાપ વધારી તેને વૈશ્વિક શાંતિ સ્થાપન સંસ્થા તરીકે વિકસાવવાનો પ્રયાસ થયો છે. ટ્રમ્પ આ બોર્ડના અનિશ્ચિત સમય સુધી અધ્યક્ષ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે અનેક દેશોમાં ચિંતા ઉદ્ભવી છે.વેટિકનના સચિવ અને મુખ્ય રાજદ્વારી પ્રતિનિધિ કાર્ડિનલ પીએત્રો પારોલિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “આંતરરાષ્ટ્રીય સંકટોનું સંચાલન મુખ્યત્વે યુએન દ્વારા થવું જોઈએ, આ મુદ્દે અમે સતત આગ્રહ રાખ્યો છે.” તેમણે આ નિવેદન ઇટાલિયન સરકાર સાથે લેટરન સંધિની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું હતું. આ સંધિ દ્વારા લગભગ સદી પહેલા વેટિકન સિટી સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપિત થયું હતું.

વેટિકને સ્પષ્ટ કર્યું કે તેની “વિશિષ્ટ અને આધ્યાત્મિક પ્રકૃતિ”ને કારણે તે અન્ય રાષ્ટ્રોની જેમ આ બોર્ડમાં ભાગ લઈ શકશે નહીં. જોકે ઇટાલી અને યુરોપિયન યુનિયન નિરીક્ષક તરીકે જોડાવાની તૈયારી દર્શાવી છે.તો બીજી બાજુ વ્હાઇટ હાઉસે વેટિકનના નિર્ણયને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો છે. પ્રેસ સચિવ કેરોલાઈન લેવિટે જણાવ્યું કે “શાંતિ કોઈ રાજકીય મુદ્દો ન હોવો જોઈએ. અનેક દેશો જોડાઈ રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે આમંત્રણ પામેલા બધા દેશો જોડાય.”

અમેરિકામાં જન્મેલા પ્રથમ પોપ Pope Leo XIVએ પોતાના પોપપદના કાર્યકાળમાં શાંતિ સ્થાપનને કેન્દ્રસ્થાને રાખ્યું છે. તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે “યુદ્ધ ફરી પ્રચલિત બની રહ્યું છે” અને યુએનને સંઘર્ષ નિવારણમાં મુખ્ય ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.જયારે ગાઝા મુદ્દે પણ પોપે સતત માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે, બે-રાષ્ટ્ર ઉકેલનો સમર્થન આપ્યું છે અને આંતરરાષ્ટ્રીય કાયદાની મહત્વતા રેખાંકિત કરી છે. ટ્રમ્પની કેટલીક નીતિઓ, ખાસ કરીને ઇમિગ્રેશન મુદ્દે, પોપે અગાઉ ટીકા પણ કરી છે.‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક વોશિંગ્ટનમાં ગુરુવાર એટલે કે આજે યોજાવાની છે, જ્યાં વૈશ્વિક રાજનૈતિક સમીકરણો વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.

Most Popular

To Top