Vadodara

મોતના દરવાજે લટકતી મુસાફરી, ખિચોખિચ ભરેલી બસમાંથી યુવાન નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ,

સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અક્ષરચોક બ્રિજ પર સિટી બસની જોખમી મુસાફરી

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

વડોદરા શહેરમાં દોડતી સિટી બસો હવે મુસાફરો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની રહી છે. આજ રોજ રાત્રે લગભગ 8 વાગે અક્ષરચોકથી અટલાદરા તરફ જતી સિટી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભર્યા હોવાના કારણે દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહેલો એક 30 વર્ષીય યુવાન ચાલુ બસે નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાએ વડોદરા ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. અત્યંત ભીડ ધરાવતી સિટી બસ જ્યારે અક્ષરચોક બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક સંતુલન બગડતા બસના દરવાજે લટકી રહેલો યુવાન સીધો રોડ પર પટકાયો હતો. પટકાતાની સાથે જ યુવાનને કપાળના ડાબા ભાગે, ડાબી આંખની નીચે, નાક અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાન અર્ધબેભાન અવસ્થામાં પડ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તાત્કાલિક યુવકની મદદ માટે દોડી આવ્યા હતા. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે અર્ધબેભાન અવસ્થામાં હોવાની માહિતી સામે આવી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું પોલીસ માત્ર ‘દંડ’ વસૂલવા માટે જ છે ? ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો.

  • નિયમોનો ભંગ કોની રહેમનજરે ? :- જ્યારે સામાન્ય નાગરિક હેલ્મેટ વગર નીકળે તો પોલીસ તુરંત મેમો ફાડે છે, તો પછી ખિચોખિચ ભરેલી અને દરવાજે લટકતા મુસાફરો વાળી બસો પોલીસની નજર સામેથી પસાર થાય છે ત્યારે કેમ કોઈ કાર્યવાહી થતી નથી ?
  • ડ્રાઈવર-કંડક્ટરની મનમાની :- સિટી બસના કોન્ટ્રાક્ટરો માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે. બસના દરવાજા ખુલ્લા રાખીને વાહન ચલાવવું એ ગુનો નથી ?
  • ભ્રષ્ટ વ્યવસ્થાનો ભોગ જનતા :- શું ટ્રાફિક પોલીસ અને બસ ઓપરેટરો વચ્ચે કોઈ મિલીભગત છે ? કેમ આવી ‘મોતની સવારી’ સામે લાલ આંખ કરવામાં આવતી નથી ?
    અકસ્માત નો બનાવ બનતાં જ બ્રિજ પર સર્જાયેલા ટ્રાફિક જામમાં લોકો અટવાયા હતા, પણ સૌથી મોટો જામ તો તંત્રની સંવેદનહીનતામાં જોવા મળી રહ્યો છે. આજે આ યુવાન અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલમાં છે, જો આવતીકાલે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે ? આ અકસ્માત એક ચેતવણી સમાન છે. જો હજુ પણ ઓવરલોડ બસો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો વડોદરાના રસ્તાઓ લોહીથી ખરડાતા રહેશે. ટ્રાફિક પોલીસે માત્ર વસૂલાત છોડીને ખરા અર્થમાં ટ્રાફિક નિયમન અને નાગરિકોની સુરક્ષા પર ધ્યાન આપવાની તાતી જરૂર છે.

Most Popular

To Top