Vadodara

વડોદરામાં વિકાસનો ફિયાસ્કો, જેલ રોડ પર પાલિકાએ પ્રજાના સુખ-ચેનનું ‘ખોદકામ’ કર્યું

સ્માર્ટ સિટી કે ડસ્ટ સિટી ? ભીમનાથ બ્રિજ માર્ગ પર તંત્રની આળસથી જનતાના શ્વાસ રૂંધાયા

કાચબા ગતિએ કામ અને રોકેટ ગતિએ ટ્રાફિક, વડોદરાના જેલ રોડ પર ‘વિકાસ’ મુસીબત બન્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

વડોદરામાં સ્માર્ટ સિટીના નામે ચાલતા વિકાસકામો હવે નાગરિકો માટે ‘મુસીબત’નું પર્યાય બની ગયા છે. શહેરના વ્યસ્ત ગણાતા જેલ રોડથી ભીમનાથ બ્રિજ સુધીના માર્ગ પર વરસાદી કાસ (ડ્રેનેજ) નાખવાની કામગીરી કાચબા ગતિએ ચાલતા વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને આયોજનના અભાવે આ વિસ્તાર અત્યારે ધૂળ અને ટ્રાફિકના નરકમાં ફેરવાઈ ગયો છે. જેલ રોડ એ શહેરનો મુખ્ય ધમધમતો રસ્તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીં ખોદકામ કરી દેવામાં આવ્યું છે. રસ્તાનો અડધો ભાગ બ્લોક હોવાથી પીક અવર્સમાં તો ઠીક, પણ હવે ભર બપોરે પણ કલાકો સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે. એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ આ જામમાં ફસાય છે, જેનાથી કોઈ મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ખોદકામ બાદ રસ્તા પર પડેલી માટીના કારણે વાહનો પસાર થતા જ ધૂળની પ્રચંડ ડમરીઓ ઉડે છે. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા ની રાહદારીઓ કરી રહ્યા છે ફરિયાદ. ધૂળને કારણે વિઝિબિલિટી ઘટતા અકસ્માતનો ભય સતત રહે છે. સ્થાનિક રહીશો નો આક્ષેપ છે કે કામ શરૂ કર્યાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પ્રગતિ દેખાતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા માણસો રાખવામાં આવ્યા નથી અને પાલિકાના અધિકારીઓ સ્થળ પર મુલાકાત લેવાની તસ્દી પણ લેતા નથી. અમે વેરા ભરીએ છીએ પણ બદલામાં અમને માત્ર ધૂળ અને ટ્રાફિક મળે છે. જો વહેલી તકે આ કામ પૂરું નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. તંત્ર જાગશે કે જનતા પીસાતી રહેશે તે એક સવાલ ? ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જો આ વરસાદી કાસની કામગીરી સમયસર પૂરી નહીં થાય, તો આ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાશે. શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે ગંભીરતા દાખવશે કે પછી નાગરિકોએ આવી જ રીતે હાલાકી વેઠવી પડશે એ જોવું રહ્યું.

Most Popular

To Top