Vadodara

વડોદરા પાલિકાનો ‘કાંટાળો’ વિકાસ: ડિવાઈડર પર બોગનવેલ રોપી વાહનચાલકોને લોહીલુહાણ કરવાનું આયોજન?​

પર્યાવરણના નામે કરોડોનો ધુમાડો; નિષ્ણાતોને બદલે વેટરનરી ડોક્ટરોના ભરોસે ગાર્ડન વિભાગનો વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ

વડોદરા: સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં મહાનગરપાલિકાનો વધુ એક અણઘડ વહીવટ સામે આવ્યો છે. પર્યાવરણની જાળવણી અને શહેરના સૌંદર્યીકરણના નામે પાલિકા દ્વારા રોડના ડિવાઈડર પર કાંટાવાળા ‘બોગનવેલ’ ના છોડ રોપવામાં આવી રહ્યા છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.
તાજેતરમાં ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી જકાતનાકા સુધીના રોડ પર આવેલા મુખ્ય ડિવાઈડર પર આ છોડ રોપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આશરે દોઢ ફૂટના સાંકડા ડિવાઈડર પર બોગનવેલ રોપવામાં આવતા સ્થાનિકો અને નિષ્ણાતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ નેતા અમી રાવતે આ મુદ્દે પાલિકાના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આરોપ છે કે પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના જવાબદાર અધિકારીઓ પાસે પૂરતી સમજણ નથી. એવું પણ સામે આવ્યું છે કે હોર્ટીકલ્ચરનું જ્ઞાન ધરાવતા અધિકારીઓને બદલે અન્ય ક્ષેત્રના ડોક્ટરો આ કામગીરી સંભાળી રહ્યા છે, જેને કારણે આવા અવ્યવહારુ નિર્ણયો લેવાઈ રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી જ્યારે ગુણવત્તાયુક્ત કામ અને નાગરિકોની સુવિધા પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે વડોદરા પાલિકાના અધિકારીઓ દ્વારા ગ્રાન્ટના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરી આવા જોખમી આયોજનો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ જોખમી છોડને હટાવી યોગ્ય અને સુરક્ષિત પર્યાવરણલક્ષી આયોજન કરવામાં આવે.

ખતરાની ઘંટડી:
*​કાંટાનું જોખમ: બોગનવેલ એ કાંટાવાળો છોડ છે. જેમ જેમ આ છોડ વધશે અને ફેલાશે તેમ તેના કાંટા રોડ પર આવશે.
*​અકસ્માતનો ભય: સાંકડા રસ્તાઓ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો કે રિક્ષા ચાલકોના મોઢા, આંખ કે શરીરના અન્ય ભાગે આ કાંટા વાગવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને નાના બાળકો જે રસ્તો ઓળંગતા હોય તેમના માટે આ જીવલેણ સાબિત થઈ શકે છે.
*​મજૂરોનો પણ સ્વીકાર: ત્યાં કામ કરી રહેલા મજૂરોએ પણ કબૂલ્યું હતું કે આ છોડમાં કાંટા હોય છે અને તેનાથી લોહીલુહાણ થવાની શક્યતા રહેલી છે.

Most Popular

To Top