અંદાજિત રૂપિયા 1.62 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો


આણંદ.
આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર, ઉમરેઠ મામલતદાર અને ખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીના પટમાં થી રેતી ખનન કરનારા ભુમાફીયા પર દરોડો પડ્યો હતો.
આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા મહીસાગર નદીના પટમાં થી પ્રતાપપુરા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા પાંચ જેટલા ડમ્પર અને બે હિટાચી મળીને અંદાજિત રૂપિયા 1.62 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દા માલ ખાણ અને ખનીજ વિભાગ, આણંદ હસ્તક ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે અને કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ની સૂચના મુજબ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરીને તપાસણી કરવા પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ અને ખનીજ વિભાગ, આણંદ અને જિલ્લા પોલીસ વિભાગની ટીમ સાથે રાખીને કામ કરવા માટે જણાવ્યું છે તે મુજબ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેર કાયદેસર રેતી ખનન કરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.