સુરત મહાનગર પાલિકા(SMC)ના નવા શાસકોએ વહીવટી તંત્ર સાથેની પ્રથમ મીટિંગમાં જ આકરાં તેવર બતાવતાં અધિકારીઓમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. કેમ કે, શાસકો જે ટોનમાં વાત કરે છે તેનાથી અત્યાર સુધી શ્રેષ્ઠ કામગીરી માટે વખણાતી ટીમ સુરત મનપા(TEAM SURAT MUNICIPAL CORPORATION)ના મોરલ પર આધાતો થઇ રહ્યા છે. પ્રથમ દિવસની મીટિંગમાં બેચાર અધિકારીઓને ઘરે બેસાડી દેવાની ટકોર થયા બાદ ગુરુવારે મળેલી મીટિંગમાં તો સ્થાયી સમિતિ ચેરમેને ઉધના ઝોન(UDHNA ZONE)ના અધિકારીઓને એવું કહી દીધું હતું કે, ગોવાલક મેઇન રોડ પર દબાણો છે તેની સામે કડક પગલાં લો.
આ ચર્ચા દરમિયાન તેણે એવી પણ ટકોર કરી હતી કે, આ રસ્તા પર દારૂના અડ્ડા પણ છે તેના પર પણ પોલીસની જેમ છૂપી રીતે ત્રાટકીને રેડ કરો. જરૂર પડે તો પોલીસને પણ સાથે રાખી અડ્ડા સામે કાર્યવાહી કરાવો. ચેરમેનની આ વાતથી અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. જે કામ પોલીસનું છે તેમાં મનપાના અધિકારીઓ શું કરી શકે ? દબાણ હટાવવા કે ડિમોલિશનની કામગીરી વખતે પણ મનપાના કર્મચારીઓ પર થતા હુમલાઓ સામે રક્ષણ નહીં આપી શકતાં શાસકો સીધા મનપાના અધિકારીઓને બુટલેગરો સાથે ભીડાવા સૂચના આપી રહ્યા હોય આવી વાતોથી અધિકારીઓમાં કચવાટની લાગણી ફેલાઇ રહી છે.
‘લાખો વૃક્ષો વાવો છો તે ક્યાં જાય છે ? હિસાબ આપો’: ગાર્ડન વિભાગ પર ગાજ વરસી
અધિકારીઓ સાથેની મીટિંગમાં પ્રથમ દિવસે શાસકોએ પાણી વિભાગ અને ગટર વિભાગના પ્રશ્નો બાબતે સંબંધિત અધિકારીઓને આડે હાથ લીધા બાદ બીજી દિવસે ઉધના ઝોન અને ગાર્ડન વિભાગ પર ગાજ વરસી હતી. શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે ગાર્ડન વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ એસ. ગૌતમને વૃક્ષારોપણ અને તેની પાછળ થતા ખર્ચાઓ બાબતે હિસાબ માંગ્યો હતો. ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં 12 લાખ વૃક્ષ વાવ્યાં છે. તેથી શાસકોએ પૂછ્યું હતું કે, તે બધા ક્યાં ગયા ? તેનો હિસાબ આપો અને કેટલા રૂપિયા ખર્ચાયા તેનો રિપોર્ટ પણ આપો.
બીજી તરફ નવા મેયરે કોરોનાના કેસ વધતા રોડ પર ઉતરીને લોકોને ખખડાવવાનું શરૂ કર્યું! જેના કારણે પણ ચર્ચાઓનું માર્કેટ ગરમાયુ છે. ચૂંટણી વખતે રાજકારણીઓ દ્વારા માસ્ક પહેરવામાં આવ્યાં નહીં અને હવે નવા મેયરે કોરોનાના કેસ વધતા રોડ પર ઉતરીને લોકોને ખખડાવવાનું શરૂ કર્યું હતું. એક વાઈરલ વિડીયોમાં મેયર બોઘાવાલા કારમાં બહારગામથી આવી રહેલા એક પરિવારને ખખડાવતાં જોવા મળ્યાં હતાં. હાલમાં બહારથી આવતા લોકો માટે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આવી જ એક ચેક પોસ્ટ પર એક પરિવાર વાનમાં આવી રહ્યો હતો ત્યારે મેયર હેમાલી બોઘાવાલાએ તેમની ઉલટ તપાસ લીધી હતી. ક્યાંથી આવો છો? એક જ કારમાં કેટલા બધા લોકોને બેસાડ્યા છે? કોરોના તમને નહીં લાગે તેવા સવાલો કરતાં જોવા મળ્યાં હતાં. ત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચા સાથે રમૂજ પણ થઇ હતી કે આ વખતે પરિસ્થિતિ વધુ સિરિયસ લાગે છે કે મેયર પોતે રસ્તા પર આવી ગયા છે. બોલો!