હવામાન પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગ એ હવે ઘણા ચર્ચાઇ ગયેલા મુદ્દાઓ છે. આ સ્થળે પણ તેની અનેક વખતે ચર્ચા થઇ ચુકી છે. હાલ ફરી આ મુદ્દો ચર્ચામાં છે કારણ કે યુનાઇટેડ નેશન્સની એક ટોચની અદાલતે સોમવારે તેના ઇતિહાસમાં સૌથી મોટો કેસ હાથ ધર્યો હતો, જેમાં ઘણા નાના ટાપુ રાષ્ટ્રોની કરૂણ કથનીની સુનાવણી શરૂ કરવામાં આવી હતી જેઓ હવામાન પરિવર્તનની વિનાશક અસરો સામે ઝઝૂમી રહ્યા છે અને તેમને તેમનું અસ્તિત્વ ભયમાં મૂકાયેલું જણાય છે. તેઓ માગણી કરે છે કે સૌથી વધુ પ્રદૂષણ કરતા રાષ્ટ્રોને આ બાબતે જવાબદાર બનાવવમાં આવે. આ સુનાવણી બે સપ્તાહ સુધી ચાલશે, તેના પછી યુએનના નેજા હેઠળની આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવશે. જો કે આ ચુકાદો કોઇ દેશને બંધનકર્તા રહેશે નહીં! પણ આ સુનાવણીની સાથે ગ્લોબલ વૉર્મિંગની સાથે પૃથ્વી પરના સમુદ્રોની વધતી જળ સપાટી અને તેને કારણે અનેક જમીન વિસ્તારો પર સર્જાયેલા ભયનો મુદ્દો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે.
જેમને સમુદ્રની વધતી સપાટીને કારણે જેઓ અદ્રશ્ય થઇ જવાનો, ડૂબી જવાનો ભય છે તે ટાપુ રાષ્ટ્રો દ્વારા વર્ષો સુધી લોબીઇંગ કરવામાં આવ્યા બાદ યુએનની સામાન્ય સભાએ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને ગયા વર્ષે જણાવ્યું હતું કે તે હવામાન પરિવર્તનના સંદર્ભમાં રાષ્ટ્રોની જવાબદારી પર અભિપ્રાય લેવાનું હાથ ધરે. મારા લોકો અને ઘણા અન્યોનું અસ્તિત્વ મટી જવાની હરોળમાં આવીને ઉભું છે એ મુજબ વાનાતુ ટાપુ સમૂહ દેશના એટર્ની જનરલ આર્નોલ્ડ કીલે જણાવ્યું હતું. તેમણે આ અદાલતને કહ્યું હતું કે હું મારા દેશના મુખ્ય કાનૂની અધિકારી તરીકે આ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો છું કારણ કે ઘરેલુ કાનૂની ઉપાયો આ કટોકટીના કદ અને શક્યતાઓ જોતા તેને હાથ ધરવા માટે નિષ્ફળ રહ્યા છે.
આઇસીજેમાં આ સુનાવણી બે સપ્તાહ સુધી ચાલનાર છે. જો કે આ અદાલત દ્વારા લેવાનાર કોઇ પણ નિર્ણય જેનું પાલન કરવું આવશ્યક નહીં બને તેવી સલાહ હશે અને તે ધનવાન દેશોને સંઘર્ષ કરતા રાષ્ટ્રોને મદદ કરવા માટે સક્રિય થવાની ફરજ પાડી શકશે નહીં. ખરેખર તો આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(આઇસીજે) એ ઘણી વખતે નામ માત્રની અદાલત હોય તેમ જણાય છે. આ અદાલતમાં આ સુનાવણીના અને તેના પર આ અદાલત દ્વારા લેવાનારા નિર્ણયના એવા જ હાલ થશે.
ભાગ્યે જ કોઇ દેશ તેના નિર્ણયને ગંભીરતાથી લેશે. જો કે આમ છતાં તે એક શક્તિશાળી પ્રતિક કરતા વધુ બની શકે છે કારણ કે તે અન્ય કાનૂની પગલાઓનો પાયો બની શકે છે જેમાં ડોમેસ્ટિક દાવાઓનો સમાવેશ થઇ શકે છે. નાના ટાપુ દેશો મોટા પ્રદૂષણકારી દેશો પર પોતાની અદાલતોમાં દાવાઓ માંડી શકે છે, જો કે તેનું પણ કંઇ નક્કર પરિણામ આવે કે કેમ? તે પ્રશ્ન છે. પરંતુ આવા કેસો અને દાવાઓથી આ મુદ્દે ગરમાટો જરૂર સર્જાઇ શકે અને વધુ પ્રદૂષણ કરતા દેશો પર દબાણ આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં પુરા થતા દાયકામાં સમુદ્રની સપાટી ૪.૩ સેન્ટિમીટર(૧.૭ ઇંચ) જેટલી વૈશ્વિક સરેરાશ સાથે વધી છે, જેમાં પેસિફિક મહાસાગરના ભાગો હજી વધુ વધી રહ્યા છે. અશ્મિજન્ય ઇંધણોના દહનને કારણે વિશ્વ ઔદ્યોગિકરણ પહેલાના સમય કરતા અત્યારે ૧.૩ ડીગ્રી સેલ્સિયસ (૨.૩ ફેરનહીટ) કરતા વધુ ગરમ થયું છે. આ પ્રદૂષણને કારણે પૃથ્વી પરના તાપમાનમાં વધારો થયો છે અને થઇ રહ્યો છે, જેને ગ્લોબલ વૉર્મિંગ કહેવામાં આવે છે. આ વૈશ્વિક તાપમાન વૃદ્ધિના કારણે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના સમુદ્રોનો બરફ મોટા પાયે પીગળી રહ્યાો છે અને તેને કારણે સમુદ્રોની જળ સપાટી વધી રહી છે.
દરિયાની આ વધતી સપાટીને કારણે વિશ્વના અનેક નાના ટાપુ દેશો પર જોખમ તોળાઇ રહ્યું છે. કેટલાક નાનકડા ટાપુ દેશોનું તો અસ્તિત્વ જ મટી જવાનો ખતરો છે. આવા ટાપુ દેશોમાં ઉપર જેનો ઉલ્લેખન થયો છે તે વાનાતુ ટાપુ સમૂહ ઉપરાંત માલ્દીવ્ઝ જેવા કેટલાક ટાપુ દેશોનો સમાવેશ થાય છે. આ નાના ટાપુ દેશો ઉપરાંત બીજા અનેક દેશો એવા છે કે જેમના દરિયાકાંઠાઓનો ભાગ ડૂબમાં જવાનો ભય છે અને કેટલાક દરિયાકાંઠાઓ તો ડૂબવા જ માંડ્યા છે. આપણા ભારતના પણ મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોના ભાગો ભવિષ્યમાં ડૂબી જવાનો ભય છે, તેમાં ચેન્નાઇ પર જોખમ વધુ જણાય છે. ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરના દરિયાકાંઠાના કેટલાક ભાગો પર તો પાણી ફરી જ વળ્યું છે.
આપણા ભારત સહિત અનેક દેશોના દરિયાકાંઠાની કેટલીક જમીન ડૂબી જ છે પણ તે નિર્જન હોવાને કારણે બહુ ધ્યાન ખેંચાયુ નથી. ભવિષ્યમાં જો મોટા પ્રમાણમાં રહેણાક વિસ્તારો ડૂબાણમા જવા માંડે તો મોટો હાહાકાર સર્જાઇ શકે છે. આ બાબતે જાગૃતિ ખૂબ જરૂરી છે પણ વૈશ્વિક સરકારો કે પ્રજાઓ કોઇ પુરતી ગંભીરતા દાખવતા નથી. આશા રાખીએ કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ જે સુનાવણી શરૂ થઇ તેના પગલે હવે આ મુદ્દે વિશ્વભરમાં ગંભીરતાથી વિચારવાનો આરંભ થઇ શકે.
હવામાન પરિવર્તનને કારણે સર્જાતા ગ્લોબલ વોર્મિંગથી વધતી જળ સપાટીની અસર ફક્ત નાના ટાપુ રાષ્ટ્રોને જ થશે અને મોટા દેશોને કશું નહીં થાય તેમ માનવું ભૂલભરેલું હશે. આપણે અગાઉ જોયું તેમ અનેક મોટા દેશોના શહેરો પણ ડૂબાણમાં જાય તેવો ભય છે જ. ચીનના પણ દરિયાકાંઠાના કેટલાક શહેરો પર ખતરો તોળાઇ રહ્યો છે. વળી, હવામાન પરિવર્તનથી ફક્ત સમુદ્રની જળસપાટી જ નહીં વધે, પરંતુ બીજી પણ અનેક વિપરીત અને વિનાશકારી અસરો વિશ્વના દેશો પર થઇ શકે છે અને જેમ જેમ પ્રદૂષણની માત્રા વધતી જશે, તેમ તેમ હવામાન પરિવર્તનની અસરો પણ વધુ તીવ્ર બનતી જશે અને તેનાથી ભયંકર ખાનાખરાબીઓ સર્જાવાનું શરૂ થશે, આથી કોઇ એકલ દોકલ દેશો નહીં પણ વિશ્વના તમામ દેશો આ બાબતે જાગૃત થાય અને યોગ્ય દિશામાં પગલા ભરવા માંડે તે જરૂરી બન્યું છે. હવે જો સમયસર પગલાઓ ભરવામાં નહીં આવે તો માણસ જાતે ધાર્યા નહીં હોય તેવા પરિણામો આવી શકે છે.