નવી દિલ્હીઃ શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. મંગળવારે પાછલા ટ્રેડિંગ દિવસે ખરાબ રીતે ઘટ્યા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ આજે બુધવારે પણ ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડા જ સમયમાં 500 પોઈન્ટ ઘટી ગયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ ધીમી ગતિએ ખૂલ્યા બાદ 170 પોઈન્ટ ઘટી ગયો હતો. બજારના ઘટાડામાં મુકેશ અંબાણીની રિલાયન્સથી લઈને ગૌતમ અદાણીની અદાણી પોર્ટ્સ સુધીના શેરો ઘટ્યા છે.
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે સેન્સેક્સમાં અચાનક 500 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. બંને શેરબજારના સૂચકાંકોની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. BSE સેન્સેક્સ અગાઉના 78,675.18 ના બંધ સ્તરથી ઘટીને 78,495.53 ના સ્તરે ખૂલ્યો હતો અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં તે 500 થી વધુ પોઈન્ટ ઘટીને 78,131.36 ના સ્તરે આવી ગયો હતો.
બીજી તરફ NSE નિફ્ટીએ પણ ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને સેન્સેક્સની જેમ તેની ઘટવાની ઝડપ પણ વધવા લાગી. ટ્રેડિંગના એક કલાકની અંદર આ ઈન્ડેક્સ 170 પોઈન્ટથી વધુ ઘટીને 23,679.35ના સ્તરે પહોંચી ગયો હતો.
મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે 79,644.95ના સ્તરે ખૂલ્યા બાદ ગઈ કાલે પણ આ ઈન્ડેક્સ અચાનક લપસી ગયો હતો અને ટ્રેડિંગના અંતે તે 820.97 પોઈન્ટ અથવા 1.03 ટકા ઘટીને 78,675.18ના સ્તરે બંધ થયો હતો.
આ ઘટાડાને કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો અને તે એક જ ઝાટકે રૂ. 5 લાખ કરોડથી વધુનો નાશ થયો હતો. શેરબજાર બંધ થયું ત્યારે નિફ્ટી પણ 257.85 પોઈન્ટ્સ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે આજે પણ આ મોટી કંપનીઓની હાલત કફોડી છે જેમાં મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધીની કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે, લાર્જકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં જોવા મળ્યો હતો.
M&M શેર 3.06% ઘટીને રૂ. 2806.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલનો શેર 2.46% ઘટીને રૂ. 140.60 અને JSW સ્ટીલનો શેર 1.82% ઘટીને રૂ. 939 થયો હતો. Reliacne શેર 1.23 ટકા ઘટીને રૂ. 1257.45 થયો હતો, જ્યારે અદાણી પોર્ટ્સ શેર 1.08 ટકાના ઘટાડા સાથે રૂ. 1311 પર ટ્રેડ કરી રહ્યો હતો.