આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે એક્સપ્રેસ વે પરથી ગાડી પકડી પાડી ..
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સામરખા ગામની સીમમાંથી પસાર થતાં વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી રૂ.3.68 લાખનો વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડી હતી. આ અંગે કુલ બે શખ્સ સામે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરી હતી. આ ગાડી દાહોદના શખ્સે મહેમદાવાદના ડ્રાઇવરને સોંપી હોવાનું ખુલ્યું છે.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા તરફથી કબુતર કલરનું અશોક લેલન ડાલા નં.જીજે 6 બીવી 6859માં વેસ્ટ ભુસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો જઇ રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી મંગળવારની મોડી સાંજે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકવામાં આવ્યું હતું. બાદમાં તેને સર્વિસ રોડ પર ઉભુ રાખી તેના ડ્રાઇવરની અટક કરી પુછપરછ કરતાં તે શોહેબ ઉર્ફે ધુળેટી શફીમહંમદ મન્સુરી (ઉ.વ.34, રહે. મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. સોહેબને ગાડીમાં ભરેલા માંગ અંગે પુછપરછ કરતાં તેણે પશુને ખવડાવવાના ભુસાની ગુણો હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે શંકા આધારે ગાડીની તલાસી લેતા વેસ્ટ ભુસાની આડમાં વિદેશી દારૂની પેટી મળી આવી હતી. આથી, સ્થળ પર જ કાર્યવાહી કરતાં ચાલકની અટક કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં ડાલામાં ભરેલા વિદેશી દારૂની ગણતરી કરતાં 3.68 લાખનો દારૂ મળી આવ્યો હતો. આ અંગે સોહેબની આગવીઢબે પુછપરછ કરતાં આ ડાલુ તેને દાહોદ બાયપાસ તુલસી હોટલમાંથી રસુલ નામના શખ્સે આપી હતી અને આણંદ ગંજ બજારમાં પાર્કીંગમાં ઉભી રાખી રસુલ જે માણસને મોકલે તેને આપવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે શોહેબ ઉર્ફે ધુળેટી ઉપરાંત રસુલ (રહે. દાહોદ) સામે ગુનો નોંધી વિદેશી દારૂ, ડાલુ સહિત કુલ રૂ.13,18,780નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.