ઝાલોદથી આવેલા શ્રમજીવી યુવકે બે બાઇક સવારને ટપારતા જીવ ગુમાવ્યો
(પ્રતિનિધિ) આણંદ તા.27
આણંદ શહેરના મેલડી માતા ઝુપડપટ્ટી પાસે રવિવારની મોડી રાત્રે બે યુવક વચ્ચે ઝઘડો થયો હતો. ઝાલોદથી મજુરી કામે આવેલા યુવકે અન્ય એક યુવકને ચોરી ન કરવા જણાવ્યું હતુ. જેથી ઉશ્કેરાયેલા શખ્સે ચપ્પુ ગળા પર ઝીંકી દેતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ હત્યા અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદના ઝાલોદ તાલુકાના બિલવાણી ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મગનભાઈ ભગોરા છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરના અમીન ઓટો રેલવે ફાટક પાસે આવેલી ઝુપડપટ્ટીમાં રહે છે. તેની સાથે તેનો ભાઇ શૈલેષ મગનભાઈ ભગોરા (ઉ.વ.28) પણ રહે છે. જે મજુરી કામ કરતો હતો. દરમિયાનમાં કોઇ કામસર શૈલેષ રવિવારની રાત્રે મેલડી માતના ઝપડપટ્ટી વિસ્તારમાં ગયો હતો. આ સમયે તેને બે બાઇક સવાર શખ્સ જોવા મળ્યાં હતાં. જેઓ ચોરી કરવાના ઇરાદા સાથે આવ્યાં હોવાનું લાગતા શૈલેષે તેમને રોક્યા હતા અને ચોરી કરવાની ના પાડી હતી. જેથી ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક યુવકે ચપ્પુ કાઢી શૈલેષના ગળા પર મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે મહેન્દ્ર ભગોરાની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર પોલીસને આ ઘટનામાં કેટલીક પ્રાથમિક કડી મળી છે. જેના આધારે આરોપી પકડાઇ તેવી શક્યતા જોવા મળી રહી છે.