નડિયાદ, તા.30
ખેડાના મહીજ ગામે મધરાત બાદ બે હત્યારાઓએ એક વૃદ્ધને લાકડી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા છે. એક્ટીવા પર આવેલા બે શખ્સોએ અગાઉના ઝઘડાની રીસ રાખી ઘરમાં ઘૂસી વૃધ્ધને લાકડી ફટકારી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ખેડા તાલુકાના મહીજ ગામે તળાવ પર 40 વર્ષિય વિનુભાઈ શનાભાઇ રાવળ રહે છે. તેઓના 62 વર્ષિય પિતા શનાભાઈ શકરાભાઈ રાવળ ગત 27મી જાન્યુઆરીના રોજ રાત્રે પોતાના ઘરે સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ તેમના ઘરે ‘વિનુ વિનુ વિનુ’ એમ ત્રણ બુમો પાડતા શનાભાઈ અને તેમના પુત્ર વિનુભાઈ ઊંઘમાંથી જાગી ગયા હતા. અને શનાભાઈ ઘરના ઓસરીમાંથી બહાર આવી કોણ છે ? તેમ કહેતા ગામના મહેશભાઈ કાળુભાઈ રાવળે એકાએક લાકડી શનાભાઈના માથાના ભાગે ફટકારી ફરાર થયો હતો. મધરાતે ચિસાચીસ થતાં આ શનાભાઈની પત્ની તેમજ તેમનો પુત્ર વિનુભાઈ દોડી આવ્યા હતા અને એક્ટીવા પર આવેલ એક ઈસમ અને પાછળ બેઠેલ ગામના મહેશભાઈ કાળુભાઈ રાવળ ભાગતા જોયા હતા. આ બાદ ગંભીર રીતે ઘવાયેલા શનાભાઈને તુરંત સારવાર અર્થે બારેજાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે ટૂંકી સારવાર દરમિયાન શનાભાઈ રાવળનુ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર વિનુભાઈ રાવળે ઉપરોક્ત હત્યારા મહેશભાઈ કાળુભાઈ રાવળ અને એક અજાણ્યા એક્ટીવા ચાલક એમ બે સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખેડાના મહીજ ગામમાં વૃદ્ધની માથામાં લાકડી મારી હત્યા કરાઇ
By
Posted on