National

અવકાશમાં નવા યુગની શરૂઆત, ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ લોન્ચ

નવી દિલ્હી: ભારતે (India) આજે વધુ એક ઈતિહાસ રચ્યો છે. અવકાશ ક્ષેત્રે (Space) ભારતને સફળતા મેળવી છે. ભારતે શ્રીહરિકોટાથી (SriHarikota) તેનું પ્રથમ ખાનગી રોકેટ (Private Rocket) વિક્રમ-એસ (Vikram S) સફળતાપૂર્વક લોન્ચ (Launch) કર્યું છે. તે દેશના અંતરિક્ષમાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. આ રોકેટ આજે સવારે 11.30 કલાકે અવકાશ માટે ઉડાન ભરી હતી. આ સાથે જ ભારતે અંતરિક્ષના ઇતિહાસમાં એક નવી જ સફળતા હાંસિલ કરી છે.

18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અવકાશની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો હતો. હૈદરાબાદની ખાનગી સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસના રોકેટ વિક્રમ-એસએ ઉડાન ભરી હતી. રોકેટ અવાજ કરતાં પાંચ ગણી ઝડપે અવકાશ તરફ ગયું. એટલે કે હાઇપરસોનિક ઝડપે. સ્કાયરૂટ ચાર વર્ષ જૂની કંપની છે. જેણે વિક્રમ-એસ રોકેટ બનાવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેને લોન્ચ કરવામાં મદદ કરી હતી. આ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને કો-ફાઉન્ડર પવન કુમાર ચંદનાએ જણાવ્યું કે આ એક ટેસ્ટ ફ્લાઈટ છે. ઈસરોએ તેની ફ્લાઇટ માટે લોન્ચ વિન્ડો ફિક્સ કરી હતી.

આ રોકેટનું નામ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ.વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ઈસરોના વડા ડૉ. સોમનાથે સ્કાયરૂટ કંપનીના મિશન સ્ટાર્ટના મિશન પેચનું પણ અનાવરણ કર્યું હતું. આ રોકેટ પર બે સ્વદેશી અને એક વિદેશી પેલોડ પણ જઈ રહ્યા છે. આ છ મીટર ઊંચું રોકેટ વિશ્વનું પ્રથમ ઓલ કંપોઝિટ રોકેટ છે. તેમાં 3D-પ્રેટેન્ટેડ સોલિડ થ્રસ્ટર્સ છે. જેથી તેની સ્પિન ક્ષમતાને સંભાળી શકાય છે.

ત્રણ કોમર્શિયલ પેલોડ છે, આ બાબતોની તપાસ કરવામાં આવશે
આ રોકેટ જ્યારે ઉડાન ભરશે ત્યારે રોકેટ એવિઓનિક્સ, ટેલિમેટ્રી, ટ્રેકિંગ, ઇનર્શિયલ મેઝરમેન્ટ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ઓનબોર્ડ કેમેરા, ડેટા એક્વિઝિશન અને પાવર સિસ્ટમની ચકાસણી કરવામાં આવશે. આ સબ-ઓર્બિટલ ફ્લાઇટ છે. જેમાં ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ SpaceKidz, આંધ્રપ્રદેશ સ્થિત N-SpaceTech અને આર્મેનિયાની BazoomQ સ્પેસ રિસર્ચ લેબના સેટેલાઇટ જઈ રહ્યા છે.

પવન ચાંદનાએ જણાવ્યું કે વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ઉડાન ભરશે. સ્કાયરૂટ દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપની છે જેણે આ સફળતા હાંસલ કરી છે. તેની સફળતા સાથે ભારત પ્રાઈવેટ સ્પેસ કંપની રોકેટ લોન્ચિંગના મામલામાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે. આ રોકેટ સંપૂર્ણપણે કાર્બન ફાઈબરથી બનેલું છે.

બાળકો દ્વારા બનાવવામાં આવેલ SpaceKidz ઉપગ્રહ
SpaceKidz ના સેટેલાઇટનું વજન 2.5 કિલો છે. જેને બનાવવા માટે અમેરિકા, ઈન્ડોનેશિયા, સિંગાપોર, સેશેલ્સ અને ભારતના બાળકોની મદદ લેવામાં આવી છે. આ ઉપગ્રહને બાળકોએ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ બનાવ્યો છે. આ સેટેલાઇટનું નામ ફનસેટ છે. આ સેટેલાઇટમાં 80થી વધુ ભાગો છે.

રોકેટમાં 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન છે
વિક્રમ-એસ રોકેટમાં 3ડી પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન છે. જેનો ટેસ્ટ ગયા વર્ષે 25 નવેમ્બરે નાગપુરની સોલાર ઇન્ડસ્ટ્રી લિમિટેડની ટેસ્ટ ફેસિલિટી ખાતે કરવામાં આવ્યો હતો. આ રોકેટ દ્વારા અવકાશની નિર્ધારિત ભ્રમણકક્ષામાં નાના ઉપગ્રહો સ્થાપિત કરવામાં આવશે. આ રોકેટનું વજન 545 કિલોગ્રામ છે. વ્યાસ 0.375 મીટર છે. તેણે 83 થી 100 કિમીની ઊંચાઈ સુધી ઉડાન ભરી હતી.

રોકેટનું લોન્ચિંગ 30-40% સસ્તું થશે
3D ક્રાયોજેનિક એન્જિન સામાન્ય ક્રાયોજેનિક એન્જિન કરતાં વધુ વિશ્વસનીય છે. તે 30 થી 40 ટકા સસ્તું પણ છે. આ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ વિક્રમ-2 અને 3માં પણ થશે. હાલમાં સ્કાયરૂટ ત્રણ પ્રકારના રોકેટ બનાવવાની યોજના ધરાવે છે. વિક્રમ-1, 2 અને 3. સસ્તા લોન્ચિંગનું કારણ તેના ઈંધણમાં ફેરફાર પણ છે. સામાન્ય ઇંધણને બદલે એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સિજન (LoX)ની મદદ લેવામાં આવી છે. તે આર્થિક અને પ્રદૂષણ મુક્ત છે.

સ્કાયરૂટ એરોસ્પેસના વિક્રમ રોકેટ વિશે જાણીએ
વિક્રમ-1 રોકેટ 500 કિમીની ઊંચાઈના SSPO સુધી 225 કિગ્રા વજનનો પેલોડ અથવા 500 કિમીની નીચલી પૃથ્વી ભ્રમણકક્ષામાં 315 કિગ્રા વજનનો પેલોડ સ્થાપિત કરી શકે છે. આ રોકેટ 24 કલાકમાં જ બની જાય છે. વિક્રમ-2 રોકેટ 500 કિમીના SSPOમાં 410 કિગ્રાનો પેલોડ અને 500 કિમીની લોઅર અર્થ ઓર્બિટમાં 520 કિગ્રાનો પેલોડ મૂકી શકાય છે. તેના ઉપરના ભાગમાં ક્રાયોજેનિક એન્જિન લગાવવામાં આવશે. વિક્રમ-3 રોકેટ 500 કિમીના SSPOમાં 580 કિગ્રાનો પેલોડ અને 500 કિમીની લોઅર અર્થ ઓર્બિટમાં 730 કિગ્રાનો પેલોડ મૂકાશે. બંને રોકેટ 72 કલાકમાં બનાવી અને લોન્ચ કરી શકાય છે.

Most Popular

To Top