સુરત : મહિધરપુરા પોલીસ મથકની (Police Station) હદમાં દિલ્હી ગેટ પાસેના મંથન કોમ્પલેક્સમાં યુવતીની હત્યા (Murder) કરાયેલી લાશ (Deadbody) મળી આવી હતી. ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવતીના પ્રેમીએ માથામાં પથ્થર જેવો બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. યુવતી દેહવિક્રયનો ધંધો કરતી હોવાની વિગતો બહાર આવી છે. શરીરસુખ માણવા જતા કોઇ તકરાર થતા આ હત્યા થઇ હોવાનુ અનુમાન પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યુ છે. ગુરૂવારના રોજ સવારના સાડા ચાર વાગ્યે આ હત્યા થઇ હોવાનો અંદાજ પોલીસ સેવી રહી છે. આ કોલગર્લનું નામ રીટા ઉર્ફે માધુરી હોવાનું પણ જાણવા મળે છે.
આ અંગે મહિધરપુરા પોલીસના પીઆઇ જે. બી. ચૌધરીએ વિગત આપતાં જણાવ્યું હતું કે, મહિધરપુરાના દિલ્હી ગેટ ખાતે મંથન કોમર્શિયલ કોમ્પલેક્સ માં રિનોવેશન ચાલી રહ્યું છે. આ ઓફિસમાં પોલીસને યુવતીની હત્યા કરાયેલી લાશ હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, યુવતીનું નામ રીટા ઉર્ફે માધુરી છે. તેના માથામાં બોથડ પદાર્થ મારી તેનું મોત નિપજાવ્યું છે. ત્યારબાદ તેના ફોનની તપાસ કરતાં શંકાસ્પદ વ્યક્તિ તરીકે સ્ટેશન ઉપર એક આમલેટની લારીનો કારીગર સંડોવાયો હોવાની શંકા ગઇ હતી. તેને ટ્રેસ કરી લેવામાં આવ્યો છે. આરોપીનું નામ સુદર્શન કાલિયો હોવાનું જાણવા મળે છે.
લલનાએ બચકાં ભરતાં હત્યાને અંજામ આપ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી સુદર્શન કાલિયા સ્ટેશન રોડ ઉપર આવેલી શુભમ આમલેટ ઉપર કારીગર છે. તેને રોજના 500 રૂપિયા પગારના ચૂકવવામાં આવે છે. તે રોજ આ રૂપિયા લલના રીટા ઉર્ફે માધુરી પાછળ ઉડાવી દેતો હતો અને આ કોમ્લેક્સમાં જ એકાંત હોવાથી શારીરિક સંબંધ બાંધતા હતાં. દરમિયાન ગઇ કાલે માધુરી નશામાં હોવાથી તેણે આરોપી સુદર્શન કાલિયાને બચકાં ભરવાનું ચાલું કરતાં તે ઉશ્કેરાયો હતો અને બોથડ પદાર્થ માથામાં મારીને તેની હત્યા કરી નાંખી હતી.
હત્યા કર્યા બાદ બીજા દિવસે પીક્ચરના ત્રણ શો જોઇ નાંખ્યા
પોલીસે માધુરીના મોબાઇલ ટ્રેસ કરતાં તેની છેલ્લી વાત આમલેટની લારી ઉપર કામ કરતાં સુદર્શન કાલિયા સાથે તેની વાત થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ સુદર્શન સ્ટેશન વિસ્તારની આમલેટની લારી ઉપર કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું એટલું જ નહીં તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. આથી પોલીસે લારીના માલિકનો સંપર્ક કરીને તપાસ કરતાં તે કામ ઉપર આવ્યો નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તે આવતા જ માલિકે પોલીસને જાણ કરતાં પોલીસે તેને પકડી લીધો હતો. હત્યા બાદ તે વરાછા વિસ્તારમાં પહોંચી ગયો હતો અને આજે આખો દિવસ તેણે પિક્ચરના ત્રણ શો જોઇ નાંખ્યા હતાં. જો કે, હવે વાંધો નહીં આવે તેમ લાગતા તે ફરી કામ ઉપર આવી ગયો હતો અને પકડાઇ ગયો હતો.