વાપી : વાપીના (Vapi) બલીઠા સ્થિત વલસાડી જકાતનાકા પાસે વાપી ટાઉન પોલીસે (Police) મુંબઈથી (Mumbai) ભાવનગર (Bhavnagar) જતી લક્ઝરી બસને (Bus) રોકીને ઇંગ્લિશ બનાવટનો દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડ્યો હતો. મુંબઈથી ભાવનગર જતી લીમડા ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસને પોલીસે રોકી ત્યારે તેનો ડ્રાઈવર નેશનલ હાઇવેની સામેની ટ્રેક ઉપર વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો પરંતુ ડ્રાઈવર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે લકઝરીમાંથી ૧૦૮ બોટલ મીણીયા થેલામાંથી ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા ૯૯,૬૨૦ બતાવવામાં આવે છે. જ્યારે લકઝરીની ૧૦ લાખ તથા બે મોબાઈલ ફોન સાથે કુલ મુદ્દામાલ રૂપિયા ૧૧,૦૯,૬૨૦નો કબજે લઈ અન્ય ડ્રાઈવર તથા કંડકટર એમ બે વ્યક્તિને અટકમાં લઈ તપાસ હાથ ધરી છે. બલીઠા વલસાડી જકાત નાકા પાસે વાપી ટાઉન પોલીસે બસને રોકી ત્યારે તેનો ડ્રાઈવર ભાવનગરના સીતારામ ચોકમાં રહેતો વનરાજસિંહ રણજીતસિંહ બારડ ભાગી છૂટ્યો હતો.
ટ્રાવેલ્સ બસમાં પોલીસને સ્લીપર સીટ નંબર ૭,૮,૧૩,૧૪,૧૫,૧૬ ઉપર મીણીયા થેલામાં દારૂ મૂકવામાં આવ્યો હતો. વાપી ટાઉન પોલીસે બસમાંથી લક્ઝરી બસના બીજા ડ્રાઈવર ભાવનગર ચિત્રા જીઆઈડીસી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ લાલુભા ગોહિલ તથા કંડકટર ભાવનગર આનંદનગરમાં રહેતા કમલેશભાઈ મોહનભાઈ પરમારને અટકમાં લઈને વનરાજસિંહ તેમજ દારૂ મંગાવનાર ભાવનગર માણેકવાડીમાં રહેતો શબ્બીર રજાકભાઈ મેતરને પકડવા તજવીજ હાથ ધરી છે. દારુનો જથ્થો વનરાજસિંહ રિક્ષામાં ભરીને કાંદીવલી આવ્યો હતો. જે મીણીયા થેલામાં ઝડપાયેલા બંને આરોપીએ ભરીને પેસેન્જરોની સ્લીપર સીટ નીચે છુપાવ્યો હતો.
એક્સાઈઝ વિભાગે દમણના ભીમપોર અને ડાભેલમાં ટેમ્પામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
દમણ : દમણ એક્સાઈઝ વિભાગે ભીમપોરના એક ઢાબા અને ડાભેલ ચેક પોસ્ટ પર ટેમ્પામાંથી ગેરકાયદે લઈ જતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. શનિવારે એક્સાઈઝ વિભાગના નિરિક્ષક દિક્ષિત ચારણીયા તથા ટીમે ભીમપોરના ડુંક ફળિયામાં રોનક ઢાબા પર રાત્રે તપાસ કરતાં ઢાબામાંથી ગેરકાયેદ રીતે રાખવામાં આવેલી 2136 જેટલી દારૂની બોટલને જપ્ત કરી ઢાબાના માલિક જગદીશ પરાગ સામે ગુનો દાખલ કર્યો હતો. વિભાગની ટીમે ડાભેલ ચેકપોસ્ટ પર પણ વાહન ચેકિંગ કરતી વેળાએ એક ટેમ્પો નંબર MH-05-DK-5096 ની તલાશી કરતાં બોક્સની અંદરથી 6372 જેટલી દારૂની બોટલ મળી આવતા ગુનો દાખલ કરી દારૂના જથ્થાને કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક સપ્તાહમાં એક્સાઈઝ વિભાગે 5 જગ્યાએ ઓચિંતી તપાસ કરી કુલ 11021 બોટલ દારૂનો જથ્થો, 4 બાઈક અને 1 ટેમ્પાને જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.