મુંબઈ: ‘હમ રહે કે ના રહે કલ…’ જેવા શાનદાર ગીતો ગાઈને લોકોના દિલમાં સ્થાન મેળવનાર સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ) આ દુનિયામાંથી હંમેશ માટે વિદાય લઈ લીધી છે. કેકેની 31 મેની રાત્રે કોલકાતામાં એક કોન્સર્ટમાં તેમની તબિયત ખરાબ થઈ હતી. હોસ્પિટલ લઈ જતા ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. પહેલી જૂનના રોજ કોલકાતામાં કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પરિવાર તેમના પાર્થિવદેહને AI 773 ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવ્યું હતું. બાદ તેમના પાર્થિવદેહ પાર્ક પ્લાઝામાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું.
બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો કેકેને વિદાય આપવા પહોંચી રહ્યા હતા. પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણ પણ કેકેના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. વર્સોવાના હિંદુ સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા નકુલે મુખાગ્નિ આપી હતી.
આ કંપનીએ કેકેના કોન્સર્ટનું આયોજન કર્યું હતું
31 મેના રોજ યોજાયેલ કેકેનો કોન્સર્ટ બ્લેક આઈડ ઈવેન્ટ્સ હાઉસ કંપની દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પરિષદ દ્વારા સંચાલિત ગુરદાસ કોલેજના વિદ્યાર્થી સંઘ માટે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટમાં કેકેની તબિયત બગડી હતી, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.
જાણીતા ગાયક કેકે ને કોલકાતામાં પોલીસ સલામી આપવામાં આવી હતી. આ દરમ્યાન મમતા બેનર્જી તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેકેનો પોસ્ટમોર્ટમના શરૂઆતના રિપોર્ટ પ્રમાણે, તેઓને મેસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. કોલકાતાની SSK ગર્વેમેન્ટ હોસ્પિટલમાં કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દોઢ કલાક ચાલ્યું હતું અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેમને મેસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને તેને કારણે લીવર તથા ફેફસાંની સ્થિતિ ગંભીર બની હતી. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેકેને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનામાં કોઈ હલન-ચલન જોવા મળી ન હતી. તેમના ધબકારા બંધ હતા. કેકેનો જ્યારે ECG રિપોર્ટ કાઢવામાં આવ્યો તો તેમનું મોત પહેલાં જ થઈ ચૂક્યું હતું.
દરમ્યાન સિંગર જીત ગાંગુલીએ કેકેની અંતિમ ક્ષણો અંગે ડ્રાયવર સાથે વાત કરી હતી. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે તેઓ કેકે ને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે કેકેએ ડ્રાઇવરને કારનું એસી વધારવાનું કહ્યું હતું. ડ્રાઇવરે એવો જવાબ આપ્યો હતો કે એસી ચાલુ જ છે તો કેકેએ એમ કહ્યું હતું કે તેઓને બહુ જ ગરમી લાગી રહી છે. હાથ અને પગના મસલ્સમાં દુખાવો થઈ રહ્યો છે.
દરમ્યાન સિંગર અંકિત તિવારીએ કેકેનો એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેકે મજાકમાં સ્ટેજ પર કહી રહ્યાં છે, હાય મેં મરજાઉં યહીં પે.. રોમેન્ટિક સોંગ ‘આંખો મેં તેરી..’ ગાતી વખતે ઓડિયન્સમાં બેઠેલી યુવતીઓ તરફ માઇક કરીને તેમને ગીત ગાવાનું કહે છે. યુવતીઓ દ્વારા ગીત ગાવાને કારણે કેકે તેઓને કહે છે, ‘હાય મેં મર જાઉં યહી પે.’ વીડિયોમાં મજાકમાં કહેલી આ વાત થોડી વાર બાદ જ સાચી પડી હતી.