પારડી : પારડી (Pardi) ઉમરસાડી કોસ્ટલ હાઇવે (Highway) દેસાઈવાડ નજીક પારડી પોલીસ મથકના (Police Station) હેડ કોન્સ્ટેબલની બાઈકને (Bike) કાર (Car) ચાલકે પાછળથી ટક્કર મારી ઉડાવી અકસ્માત (Accident) સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલને ઇજા પહોંચતા પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની ફરજ બજાવી પરત પારડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કંચનભાઈ મનસુખભાઈ ઠાકરે બાઈક લઈને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ગુરૂવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે ઉમરસાડી કોસ્ટલ હાઇવે દેસાઈવાડ ફળિયા નજીક બમ્પર પાસે એક કાર નં.GJ 05 RG 9885 ના ચાલકે પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવી હેડ કોન્સ્ટેબલની બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસ કર્મીને માથાના તથા શરીરના ભાગે ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર માટે ઉમરસાડી માછીવાડ એક ક્લિનિકમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેને છાતીના ભાગે ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અકસ્માત કરી કારચાલક સ્થળ પર કાર મુકી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે પારડી પોલીસ મથકે કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝઘડિયામાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં યુવાનનું મોત
ઝઘડિયા: ઝઘડિયામાં અજાણ્યા વાહને સામેથી આવતા ૨૦ વર્ષીય બાઇકચાલકને અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મોત થયું હતું.
ઝઘડિયાના વંઠેવાડ ગામનો જયેશ રાજેશ વસાવા (ઉં.વ.૨૦) ગોવાલી ગામે એક પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. જયેશ વસાવા તા.૨૪મીના રોજ મોટરસાઇકલ લઇ નોકરી પર જઇ રહ્યો હતો. ત્યારે રાતના પોણા આઠ વાગ્યાના અરસામાં ઝઘડિયા નજીકથી પસાર થઇ રહ્યો હતો. એ દરમિયાન રોડ પર કોઇક અજાણ્યો વાહનચાલક આ યુવકની મોટરસાઇકલને ટક્કર મારી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક યુવાન જયેશને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વંઠેવાડના રાજેશ વસાવાએ ઝઘડિયા પોલીસમાં અકસ્માત અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.