SURAT

ગ્રીષ્મા-ફેનિલના પ્રેમસંબંધની વાત ખોટી, ફોટો અને ઓડિયો ક્લીપ ફેક છે, પોલીસ..

સુરત: (Surat) ફેનિલ અને તેના મિત્રની વાતચીતની ઓડિયો ક્લીપ (Audio) વાયરલ (Viral) થયા બાદ એવી ચર્ચા ચાલી છે કે પ્રેમમાં દગો મળતા ફેનિલે હત્યા કરી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ ફેક (Fake) છે. બંનેનો ફોટો પણ મોર્ફ (Morph) કરાયો છે. પોલીસ અત્યારે એવું જ માની રહી છે કે ગ્રીષ્મા અને ફેનિલના પ્રેમસંબંધની વાતો ઉપજાવી કાઢેલી છે. પોલીસને અન્ય ઓડિયો ક્લીપ મળ્યા છે. બંનેના ફોન પણ ફોરેન્સીકમાં મોકલ્યા છે. વધુ વિગતો બહાર આવશે.

જોકે, એ વાત ચોક્કસ છે કે ફેનિલ રીઢા ગુનેગાર કરતા પણ વધુ ખતરનાક છે. તે સાયકો નથી કે નશેડી પણ નથી. તેને માત્ર માવાનું વ્યસન છે. તે અવારનવાર પોલીસને ખોટા સ્ટેટમેન્ટ આપી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરે છે. ચપ્પુ ક્યાંથી લીધું તેના પણ ફેનિલે ખોટા જવાબ આપ્યા હતા. જોકે, ફેનિલ હોસ્પિટલમાંથી લોકઅપ સુધી આવે તે પહેલાં જ પોલીસે 95 ટકા તપાસ પુરી કરી લઈ પુરાવા અને સાક્ષીઓની જુબાની લઈ લીધી હોય તેની ચાલ નિષ્ફળ ગઈ હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સાવ સુકલકડી અને નાની ઉંમરનો ફેનિલ રીઢા ગુનેગારોને પણ પાછળ મુકી દે તેવો છે. આશ્રમ અને ભૌકાલ જેવી વેબસિરિઝ જોઈ તેણે લાંબો સમયથી હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું લાગે છે. એટલું જ નહીં પોલીસ સામે કેવું વર્તન કરવું તેની પણ તેણે પ્રેક્ટિસ કરી હોવાનું લાગે છે. લોકઅપમાં ક્યારેય તે ઉદાસ થયો નથી. હસીને વાતો કરે છે. નિવેદનો આપતી વખતે એટલા કોન્ફીડન્સથી બોલે છે કે તે સાચું જ બોલતો હોવાનું લાગે છે. પરંતુ તપાસ કરતા તે ખોટું બોલતો હોવાની હકીકત બહાર આવે છે. ચપ્પુ ક્યાંથી લીધું તે માટે પણ ફેનિલ ખોટું બોલ્યો હતો. આ કેસમાં હત્યાનો વીડિયો મજબૂત પુરાવો છે. પરંતુ ફેનિલની માનસિકતા જોતા વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે, જેથી આરોપીને આકરી સજા મળે.

ફેનિલને ગાંધીનગર લઈ જવાયો, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાશે
ગુરુવારે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયા બાદ ફેનિલને શુક્રવારે ગાંધીનગર ફોરેન્સિકમાં લઈ જવાયો છે. જ્યાં તેની વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરવામાં આવી રહી છે. સમગ્ર કેસનું સુપરવિઝન કરનાર ડીવાયએસપી બી.કે. વનારે કહ્યું કે, પોલીસ રાત-દિવસ પુરાવા ભેગા કરી રહી છે. ફેનિલની ધરપકડના 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દેવા પોલીસ તત્પર છે. આરોપીને આકરી સજા થાય તે માટે પોલીસ તપાસમાં કોઈ ઢીલ રાખવા માંગતી નથી.

Most Popular

To Top