Dakshin Gujarat

માંગરોળમાં 56 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, પશુપાલકો ચિંતિત

માંગરોળ: સુરત જિલ્લામાં વધી રહેલા લમ્પી વાયરસના (Lumpy Skin Disease) કારણે અનેક પશુઓએ (Animals) જીવ ગુમાવ્યો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો, હાલમાં માંગરોળ (Mangrol) તાલુકામાં કુલ 56 જેટલા લમ્પી વાયરસના એક્ટિવ કેસ છે. જેના કારણે તાલુકાના પશુપાલકો ચિંતિત છે.

માંગરોળમાં વધી રહેલા લમ્પી વાયરસના કેસોને જોતાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વેરાકુઈ ગામની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. વેરાકુઈ ગામે 15થી વધુ પશુઓના મોત બાદ પણ માત્ર 2 પશુઓના મોત લમ્પી વાયરસના કારણે થયા હોવાનો તંત્રએ દાવો ર્ક્યો છે. પશુઓના મોત બાદ જાગેલા તંત્ર દ્વારા 24 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી છે.

  • પશુપાલકોને પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા બાદ દૂધ ઉત્પાદન અને આવક પર અસર થશે તેવો ભય
  • ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વેરાકુઈ ગામની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા

પશુપાલકોને પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા બાદ દૂધ ઉત્પાદન અને આવક પર અસર થશે તેવો ભય લાગી રહ્યો છે. બે દિવસ પહેલા જ માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસના કારણે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી ટીમ વેરાકુઇ તેમજ બોરિયા ગામે પહોંચી હતી.

ગાંધીનગર પશુપાલન નિયામકએ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી અને પશુઓનું નિરીક્ષણ કરી પશુપાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ અગાઉ લેવાયેલા 15 પશુઓ પૈકી 3 પશુઓ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

શું છે લમ્પી વાયરસ?
છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં એક વિચિત્ર રોગના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમાંથી અનેક ગાયોને લમ્પી સ્કીન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે. જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપીપોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઈતરડીથી ફેલાય છે. કહેવાય છે કે, આ રોગ પશુઓના સીધા સંપર્કમાં પણ ફેલાય છે.

લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી વાયરસ અંગે અનેક પશુ ચિકિત્સકો જણાવે છે કે, આ રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર જ આ રોગના લક્ષણો જોવા મળે છે. જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, તેની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થવી. રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજા થઈ જાય છે. રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબ જ ઓછો 1 થી 2 ટકા હોય છે.

Most Popular

To Top