National

બે દિવસમાં રસીથી આડઅસરનાં 447 બનાવો, ત્રણ થોડા ગંભીર

નવી દિલ્હી (New Delhi): દેશમાં રસીકરણ (Corona Vaccination) અભિયાન શરૂ થયાના આજે બીજા દિવસે આંકડાઓ જણાવતા હતા કે બે દિવસમાં દેશભરમાં કુલ ૨૨૪૩૦૧ વ્યક્તિને કોવિડ-૧૯ (Covid-19/Corona Virus) સામે રક્ષણ માટેની રસી અપાઇ છે જેમાંથી ફક્ત ૪૪૭ લાભાર્થીઓને આડઅસર થઇ હોવાનું જણાયું છે જેમાંથી ત્રણને આડઅસર થોડી ગંભીર જણાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આજે પ્રેસ બ્રિફીંગ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અજ્ઞાનીએ જણાવ્યું હતું કે બે દિવસમાં રસીકરણથી આડઅસરના કુલ ૪૪૭ બનાવો બન્યા છે જેમાંથી ફક્ત ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે જણાવ્યું હતું કે રસીકરણના બીજા દિવસે આજે રવિવાર હોવાથી ફક્ત છ રાજ્યોમાં જ રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પપ૩ સેસનોમાં કુલ ૧૭૦૭૨ લાભાર્થીઓને રસી મૂકવામાં આવી હતી.

જે રાજયોમાં આજે રસીકરણ કરવામાં આવ્યું હતું તેમાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણીપુર અને તમિલનાડુનો સમાવેશ થાય છે. અજ્ઞાનીએ જણાવ્યું હતું કે કુલ ૨૨૪૩૦૧ લાભાર્થીઓને બે દિવસમાં રસી મૂકાઇ છે તેમાંથી ૨૦૭૨૨૯ને તો પ્રથમ દિવસે જ રસી મૂકી દેવાઇ હતી. જેમને આડઅસર થઇ હતી તેમાંના મોટા ભાગના લોકોને તાવ, માથાનો દુ:ખાવો અને ગભરાટ જેવા લક્ષણો દેખાયા હતા. અધિક આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનની સમીક્ષા કરવા માટે, અવરોધો સમજવા માટે તથા યોજનામાં સુધારણાના પગલાઓ નક્કી કરવા માટે આજે તમામ રાજ્યો અને સંઘ પ્રદેશો સાથે એક બેઠક યોજવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં શનિવાર ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું છે. વડાપ્રધાન મોદીએ ગઇકાલે આ રસીકરણ અભિયાનનો આરંભ કરાવ્યો હતો જેમાં પ્રથમ દિવસે બે લાખ જેટલા લાભાર્થીઓને રસી મૂકાઇ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ રસીકરણ કાર્યક્રમ અંગે બે સપ્તાહ સુધી દરરોજ સાંજે પ્રેસ બ્રિફીંગ કરીને રોજબરોજની માહિતી આપશે. આ રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને તથા ત્યારબાદ પ૦થી વધુ વયની લોકોને તથા યુવાન વયના પરંતુ જોખમી આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોને રસી મૂકવાની યોજના છે.

આડઅસરમાં મામૂલી તાવ, માથામાં દુ:ખાવો કે ગભરાટ જેવા લક્ષણો જણાયા

જે ૪૪૭ને આડઅસર થઇ છે તેમાંના મોટા ભાગનાને થયેલી આડઅસર નજીવા પ્રકારની છે. રસી મૂકાવ્યા બાદ તાવ, માથામાં દુ:ખાવો કે ગભરાટ જેવા લક્ષણો કેટલાકને આડઅસર તરીકે દેખાયા છે. આડઅસર થયેલી વ્યક્તિઓમાંથી ત્રણને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું, જો કે આ ત્રણ જણાને કયા પ્રકારની આડઅસર થઇ છે તેની માહિતી આપવામાં આવી નથી પરંતુ બિન સમર્થિત અહેવાલ પ્રમાણે આ ત્રણેય વ્યક્તિને પ્રમાણમાં વધુ પડતા તાવ જેવી તકલીફ હોઇ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top