Dakshin Gujarat Main

દમણનાં વ્યક્તિએ એની ડેસ્ક નામનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું અને ખાતામાંથી 3.68 લાખ ઉપડી ગયા

દમણ : દમણ (Daman) પોલીસે ઓનલાઈન (Online) ઠગાઈ (Fraud) કરનારા 4 ઠગબાજની કોલકતાથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દેશના અનેક લોકોની સાથે દમણના એક શખ્સને લાલચ આપી મોબાઈલમાં સોફ્ટવેર (Software) ડાઉનલોડ (Download) કરાવી બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી ગુનો આચરતા હતા.

  • દમણનાં વ્યક્તિને ફોન પર લાલચ આપી ડેસ્ક સોફ્ટવેર ડાઉનલોડ કરાવી 3.68 લાખની ઠગાઈ કરી હતી
  • પોલીસે 14 મોબાઈલ, 1 લેપટોપ અને 36 સીમકાર્ડ સહિત ઝારખંડના ચોરને કોલકતાથી પકડી લીધા

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 22 માર્ચ 2022 ના રોજ દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં ફરિયાદીએ 15 માર્ચના રોજ ગુગલ પર પોતાનો સી-બીલ સ્કોર તપાસ્યો હતો. જે બાદ અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે ફરિયાદીને તેનો સી-બીલ સ્કોર જાણવા મદદ કરવા જણાવ્યું હતું. સાથે ફરિયાદીના મોબાઈલ ફોનમાં એની ડેસ્ક નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો. જે બાદ ફરીયાદીએ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા પછી ગણતરીની મિનિટમાં જ તેના મોબાઈલ ફોન પર બેંક ખાતામાંથી તેના રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો.

કોલકતાથી પકડાયેલા ચાર ઠગ

આ અંગે ફરિયાદીએ બેંક પર ફોન કરી જાણકારી મેળવી તો બેંક તરફથી જાણવા મળ્યું કે, તેમના ખાતામાંથી ફ્લીપ કાર્ટ અને ફ્રી-રીચાર્જ પરથી ખરીદી થઇ છે. જે ફરીયાદીએ કરી ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ થોડા સમય પછી ફરીયાદીના ક્રેડીટ કાર્ડમાંથી અચાનક 3,68,415 રૂપિયા જેટલી માતબર રકમ ડેબિટ થતાં જ ફરીયાદીએ આ બાબતે નાની દમણ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી હતી. જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં પોલીસે આ કામના 4 ઠગબાજ આરોપીની કોલકત્તાથી ધરપકડ કરી છે.

પોલીસે ઓનલાઈન ખરીદીથી ઉપડી ગયેલા રૂ.1.29 લાખ રીકવર કર્યા
સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીઓના આધારે ફ્લિપકાર્ટ પર કરાયેલી 1.29 લાખ રૂપિયાની ખરીદીને રોકી ફરીયાદીના ખાતામાંથી ઉપડી ગયેલા પૈસા પરત તેના બેંક ખાતામાં જમા કરાવવામાં સફળતા મેળવી હતી.

પકડાયેલા ચાર ઠગબાજ આરોપીને ઓળખો
પોલીસે જ્યારે ફ્લીપ કાર્ટ સાઈટ પાસેથી ખરીદી કરનારનું વિવરણ માંગ્યું ત્યારબાદ ફ્લીપ કાર્ટ પાસેથી મળેલી માહિતીમાં બે અલગ અલગ રાજ્ય ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વ્યક્તિ અને સ્થાનની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે એક ટીમ બનાવી પશ્ચિમ બંગાળ રવાના થઈ હતી. કોલકતાના કેસ્તોપુર અને કૃષ્ણાપુર જિલ્લામાં તપાસ હાથ ધરી 50 ઈમારતોમાં ટેક્નિકલ ટીમ સાથે તપાસ હાથ ધરતાં ગુનો આચરનાર 4 આરોપી
24 વર્ષીય સેમરૂલ અંસારી, 26 વર્ષીય સમીમ અંસારી, 22 વર્ષીય મોહમ્મદ જિયોલ અંસારી અને 22 વર્ષીય મોહમ્મદ મહતાવ અંસારી (રહે. ઝારખંડ દેવગઢ જિલ્લાના પાલોજોરી ગામ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઈલ, 1 લેપટોપ અને 36 સીમ કાર્ડ કબ્જે કર્યા હતા.

પકડાયેલા ઠગબાજ કેવી રીતે લોકોને ફસાવતા હતા
પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, આરોપીઓ અલગ અલગ કંપનીઓ જેઓ વ્યાજના ઉદ્દેશ્યથી બેંક સી-બીલ સ્કોર તથા બેંકની ગ્રાહક સેવા આપે છે, એ રીતે સેવા આપવાના ઉદ્દેશ્યથી ગુગલ પર પોતાના ખોટા નંબર અપલોડ કર્યા હતા. જ્યાં કોઈ ગ્રાહક ગુગલ પર સી-બીલ સ્કોર ચકાસવા ટાઈપ કરે ત્યારે આ લોકો તુરંત તેમનો સંપર્ક કરી મદદ કરવાનું જણાવતા હતા. એટલું જ નહીં પણ રોકડા રૂપિયાનું ઈનામ, લોટરી તથા અન્ય લોભામણી જાહેરાત આપી તેમના મોબાઈલમાં સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાનું જણાવી તેમના ખાતામાંથી ઓનલાઈન પૈસા સેરવી ઠગાઈનો ગુનો આચરતા હતા.

Most Popular

To Top