National

દેશમાં રોજના 15-20 લાખ કેસો આવે છે, સ્થિતિ બગડવાની જ છે: ડૉ. શેટ્ટી

કોરોના મહામારી દેશમાં ઓર બગડવાની જ છે એવી આગાહી કરતા જાણીતા સર્જન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ કહ્યું છે કે દેશને આગામી સપ્તાહોમાં વધારાના 5 લાખ આઇસીયુ બૅડ્સ, 2 લાખ નર્સીસ અને 1.5 લાખ તબીબોની જરૂર પડશે. તેમણે એમ પણ સૂચવ્યું કે આ પહાડ જેવા પડકારને પહોંચી વળવા ક્રાંતિકારી ઉપાયો જોઇશે.

અત્યારે ભારત પાસે માત્ર 75000થી 90000 આઇસીયુ બૅડ્સ છે અને લગભગ બધાં ભરાઇ ગયાં છે, દેશમાં કોરોનાના બીજાં મોજાંનો પિક હજી આવ્યો નથી અને કેટલાંક નિષ્ણાતો કહે છે કે પિક પર રોજના 5 લાખ કેસો આવી શકે છે.ડૉ. શેટ્ટીએ કહ્યું કે મોટા ભાગના અખબારો અને ટીવી ચેનલો ઑક્સિજનની તંગીની બૂમો પાડે છે પણ મને આગામી મુખ્ય સમાચારથી ઉંઘ નથી આવતી.

આગામી હેડલાઇન એ હશે કે આઇસીયુમાં નર્સો અને તબીબો ન હોવાથી દર્દીઓ મરી રહ્યા છે. અને આ થવાનું જ છે, મને એમાં કોઇ શંકા નથી.ભારતમાં 21 મેડિકલ સેન્ટરની ચેઇન ચલાવતા નારાયણ હૅલ્થના ચેરમેન અને સ્થાપક ડૉ. શેટ્ટીએ પૂણેમાં તાજેતરમાં એક ઓનલાઇન વ્યાખ્યા માળામાં આ વાત કરી હતી.

તેમણે ધ્યાન દોર્યું કે જે પોઝિટિવ ટેસ્ટ થાય છે એ દરેક દર્દી દીઠ 5 થી 10 લોકો એવા છે જે પૉઝિટિવ તો છે પણ ટેસ્ટ નથી થયા. એનો અર્થ એ કે ભારતમાં અત્યારે રોજના 15થી 20 લાખ લોકોને કોરોના થઈ રહ્યો છે. આંકડાની દ્રષ્ટિએ 5% દર્દીઓને આઇસીયુ બેડની જરૂર પડે છે, પછી એ ગમે એ ઉમરના હોય. સરેરાશ એક દર્દી આઇસીયુમાં 10 દિવસ વીતાવે છે. એટલે તમે કલ્પના કરી શકો કે શું સિનારિયો હશે. આપણે આગામી જૂજ સપ્તાહોમાં 5 લાખ વધારાના આઇસીયુ બૅડ્સ ઊભા કરવા પડશે.

તેમણે કહ્યું કે કમનસીબે ખાટલા દર્દીઓને સાજા નથી કરતા. આપણને નર્સ, તબીબો અને પેરામેડિક્સની જરૂર પડે. આઇસીયુમાં કોવિડના દર્દીઓનું મેનેજમેન્ટ મોટા ભાગે તબીબો નહીં પણ નર્સો પર આધારિત હોય છે. મહામારી શરૂ થઈ એ પહેલાં પણ દેશમાં 78% મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સની ઘટ હતી. હાલની મહામારી 4-5 મહિના ચાલે એમ છે ને આપણે ત્રીજા વેવ માટે તૈયાર રહેવું પડે એટલે આપણે આગામી જૂજ સપ્તાહોમાં કમ સે કમ બે લાખ નર્સીસ અને દોઢ લાખ તબીબો ઊભા કરવા પડશે જેઓ એક વર્ષ સુધી કોવિડ મેનેજ કરે.

ડૉ. શેટ્ટીએ આ જરૂરને પહોંચી વળવા આઉટ ઑફ બૉક્સ ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું કે ભારતમાં 2.20 લાખ નર્સિંગ સ્ટુડન્ટ્સ એવા છે જેમણે ત્રણ કે ચાર વર્ષનો કોર્ષ પૂરો કર્યો છે. પરીક્ષા બાકી છે. તેમને ગ્રેજ્યુએટ ગણી લેવા જોઇએ અને કોવિડ આઇસીયુમાં એક વર્ષ માટે ગોઠવી દેવા જોઇએ અને પછી એમને સર્ટી આપવું જોઇએ. એવું જ તબીબો માટે નીટની તત્કાલ ઓનલાઇન ટેસ્ટ લઈને કરી શકાય.

.

Most Popular

To Top