National

મહારાષ્ટ્રમાં આજથી પહેલી સુધી કડક ‘લૉકડાઉન’

મહારાષ્ટ્ર સરકારે બુધવારે અગાઉના લૉકડાઉન જેવા નિયંત્રણો લાદીને આંતર શહેર અને આંતર જિલ્લા મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકી દીધા હતા અને ઑફિસ હાજરી પર પણ નિયંત્રણો લાદ્યા હતા. રાજ્ય સરકારના ‘બ્રેક ધી ચેન’ કાર્યક્રમ અંતર્ગત નવા નિયંત્રણો ગુરુવારે સાંજે 8થી અમલમાં આવશે અને 1 મે સવારે 7 વાગ્યા સુધી અમલી રહેશે.

છેલ્લા 15 દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો રોજના 50000થી વધારે આવે છે. આજે નવા નિયંત્રણો ગત વખતની જેમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યા ન હતા. સરકારી જાહેરનામામાં પણ ‘લૉકડાઉન’ શબ્દ પ્રયોજાયો નથી. જાહેરનામા મુજબ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક કચેરીઓમાં 15% સ્ટાફથી કામ ચાલશે. ઇમરજન્સી સેવાઓને આ નિયમમાંથી મુક્તિ અપાઇ છે. અન્ય કચેરીઓ 15% સ્ટાફ અથવા પાંચ જણાથી જે વધુ હોય એનાથી ચાલી શકે છે.

આંતર શહેર અને આંતર જિલ્લા મુસાફરી પરના પ્રતિબંધમાંથી મેડિકલ ઇમરજન્સી, આવશ્યક સેવાઓ, અને અંતિમવિધિને બાકાત રખાઇ છે. ખાનગી બસોને છૂટ અપાઇ છે પણ એના મુસાફરોએ ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ 14 દિવસ ક્વૉરન્ટાઇન રહેવું પડશે. લગ્ન એક જ હૉલમાં 25 માણસો સાથે બે કલાકમાં આટોપવાના રહેશે. એનો ભંગ કરનારને 50000 રૂપિયા દંડ થશે.

Most Popular

To Top