SURAT

સીતાનગર ચોકમાં કોરોનાના નામે લારી-ગલ્લા બંધ કરાવાયા, પણ બે લારીને નિયમ લાગુ પડતો નથી

સુરત મનપા દ્વારા એક બાજુ ખાણી-પીણીની લારીઓ પર થતી ભીડને કારણે કોરોના વકરતો હોવાનું કારણ આપી આખા શહેરમાં ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા કોઇ ને કોઇ નિયમ બતાવી લારીઓ બંધ કરાવવામાં આવી રહી છે. તો ઘણી જગ્યાએ સ્થાનિક અધિકારીઓની મીલી ભગતમાં અમુક દુકાનો અને લારીઓ બંધ કરાવાય છે અને અમુકને ધંધો કરવા દેવા માટે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવું જ ઉદાહરણ મનપાના વરાછા ઝોન-એમાં જોવા મળ્યું છે. અહીં ખાણી-પીણીની લારીઓ માટે જાણે ફૂડ ઝોન બની ગયો હોય તેમ સીતાનગર ચોકમાં ફ્લાય ઓવરબ્રિજની નીચે લારીઓનો ઝમેલો થાય છે.

જો કે, હાલમાં કોરોનાની ગાઇડ-લાઇન અને દબાણ હટાવવાના પગલારૂપે મોટા ભાગની લારીઓ બંધ કરાવી દેવાઇ છે. પરંતુ સવાર-સાંજ અહીં બ્રિજ નીચે ઊભી રહેતાં નાસ્તાની બે લારી સામે સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેના કારણે અન્ય લારી-ગલ્લાવાળાઓ તેમજ સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આખો દિવસ અહીં ચાર રસ્તા પર ઊભી રહેતી લારીઓ મનપાના વરાછા ઝોનના અધિકારીઓને જાણે આ લારીઓ અને ત્યાં આવતા લોકો કોરોના પ્રૂફ હોય તેમ તેની સામે કોઇ પગલાં લેવાતાં નથી.

આ બાબતે ઝોનના કાર્યપાલક ઇજનેર અમિત દેસાઇએ જણાવ્યું હતું કે, કોવિડની ગાઇડલાઇન હેઠળ લારી-ગલ્લા અને દુકાનો બંધ કરાવવાનું કામ આરોગ્ય વિભાગનું છે. જ્યારે અહીંના આરોગ્ય અધિકારી ડો.કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આ કામ ઇજનેરી વિભાગ દ્વારા થાય છે. આમ છતાં બંને અધિકારીઓ દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં ભરીશું તેવું કહેવાયું છે. જો કે, સીતાનગર ચોકમાં ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કની જગ્યામાં લારીવાળાઓ પાસેથી ભાડુ વસૂલી પે અન્ડ પાર્કનો ઇજારદાર લારીઓ મૂકવા દઇ ઇજારાની શરતોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યો હોવા છતાં તેની સામે ઝોનનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની પણ બૂમ ઊઠી છે.

Most Popular

To Top