Dakshin Gujarat

સેલવાસના બિલ્ડરનું અપહરણ કરવા નીકળેલી કુખ્યાત ગેંગ ઝડપાઈ

સેલવાસના એક બિલ્ડરનું તેમજ ઉદ્યોગપતિનું લૂંટ-અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગવાના પ્લાન સાથે એક કારમાં સેલવાસ જઈ રહેલી ગેંગને વાપી ડુંગરા પોલીસે ઝડપી પાડી હતી. ડુંગરા પોલીસના AS I રાકેશકુમાર રમણભાઇને બાતમી મળી હતી કે, સફેદ કલરની નંબર વગરની બલેનો કારમાં પાંચ શખ્સો ઘાતક હથિયારો સાથે સેલવાસના સામરવરણીમાં ઓફિસ તથા રખોલીમાં રહેતા બિલ્ડર ભરત પંચાલને તેમની મર્સિડીઝ કાર નંબર DN-09 Q-3600માં અપહરણ કરી બિલ્ડરને છોડાવવા તેના પરીવાર પાસેથી એક કરોડ માંગવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બાતમી મુજબની કાર દેખાતા કારનો પીછો કર્યો તો કારમાંથી એક આરોપી ભાગી ગયો હતો.

જ્યારે કારમાં બેઠેલા અન્ય ચાર પકડાઈ ગયા હતા. પકડાયેલા આરોપી પૈકી ટુન્નુસિંગે કબૂલાત કરી હતી કે ફેબ્રુઆરી 2020માં તેણે મિત્ર ફેલિક્સ અને અને અન્ય આરોપીઓ સાથે મળી વાપી જીઆઇડીસીના ઉદ્યોગપતિ અમિત શાહનું અપહરણ કરી પચાસ લાખની ખંડણી લઇ છોડ્યા હતા.

જેમાં સફળ થતાં ફરીથી ઉદ્યોગપતિ અથવા બિલ્ડરનું અપહરણ કરી એક કરોડ રૂપિયા જેટલી ખંડણી મળી શકે તે ઉદ્દેશથી આરોપીઓ શ્રીકેશ ઉર્ફે પોલુ તથા ફેલીક્સ, અમિત, વિકાશ ઉર્ફે કાલુને ઉદ્યોગપતિનું અપહરણ કરવા માટે રેકી કરાવી હતી. જેમાં આરોપીઓ શ્રીકેશ તથા ફેલીકસે સેલવાસમાં રહેતા તથા મર્સીડીઝ કારમાં ફરતા બિલ્ડર ભરત પંચાલની અને અમિત તથા વિકાસ ઉર્ફે કાલુએ વાપીના ગુંજનમાં રહેતા તથા દાદરામાં નારાયણી પ્લાસ્ટો ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા એલ.આઇ.સી.કંપનીના મેનેજર તથા બ્રાઉન કલરની મર્સીડિઝમાં ફરતા નારાયણ શેટ્ટી નામના ઉદ્યોગપતિનું અપહરણ કરી મોટી રકમની ખંડણી માંગવાના ઇરાદે રેકી કરી હતી.

આરોપીઓએ પીછો કરી બિલ્ડર ક્યારે, કેટલા વાગે, કઇ જગ્યાએથી નીકળે છે તેની રેકી કરી હતી
તપાસ દરમ્યાન આરોપીઓના મોબાઇલ ફોનમાંથી અપહરણ માટે નકકી કરેલા અગ્રણીઓના ફોટોગ્રાફસ, તેમના ઘર, મર્સિડીઝ કાર તથા પરિવારના ફોટો તથા વાહન નંબર પરથી માલિકના નામ-સરનામાની માહિતી આપતી CAR IMFO નામની મોબાઇલ એપ્લિકેશન તથા કારની માહિતીના સ્ક્રીનશોટ્સ મળી આવ્યા હતા. આરોપીઓએ અગ્રણીઓની મર્સિડીઝનો ચાર-પાંચ દિવસ પહેલા પીછો કરી તે ક્યારે, કેટલા વાગે, કઇ જગ્યાએથી કારમાં નીકળી જે રૂટ ઉપર જતાં હતા તેમની પાછળ પીછો કરી રેકી કરી હતી. રેકી કરતી વખતે આરોપીઓ એકબીજાને વોટસએપ મેસેજથી માહિતી આપતાં હતા.

પકડાયેલા આરોપી
(૧) ટુન્નુસીંગ ઉર્ફે જયસીંગ ઉર્ફે જય બ્રિજકિશોરસીંગ (ઉ.૨૪,હાલ રહે, સામરવરલી, મૂળ ધનેછપરા,બિહાર) (૨) શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસીંગ (ઉ.૨૨ હાલ રહે.હરિયાપાર્ક, મૂળ રહે, છેવાડ, ઉત્તર પ્રદેશ)(૩) ફેલીક્સ સીબુ થોમસ (ઉ.૨૦, હાલ રહે.અમનપાર્ક બિલ્ડીંગ, ડુંગરા, મૂળ રહે.મનકરા, કેરળ) (૪) અમિત જયપ્રકાશસીંગ (ઉ.૧૮ રહે.દિલીપનગર, ડુંગરા, મૂળ રહે, ગૌરી, બિહાર) તથા (૫) વિશાલ ઉર્ફે કાલુ (ભાગી ગયેલો આરોપી)

આરોપીઓ પાસેથી શું શું મળી આવ્યું
એક ઓટોમેટીક પિસ્તોલ તથા એક મેગેઝીન તથા લોડ કરેલા 10 કાર્ટીઝ, રામપુરી ચપ્પુ, બલેનો કાર, લાકડાના ધોકા, ઘાતક હથિયારો

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) ટુન્નુસીંગ સામે વાપી GIDC પો.સ્ટે.માં અપહરણનો ગુનો, છપરા પો.સ્ટે.(બિહાર)માં આર્મ એક્ટ મુજબનો ગુનો, શ્રીકેશ સામે વાપી ટાઉન પો.સ્ટે.માં.4 ગુના, ભીલાડ, ડુંગરામાં 2, દમણમાં 2 અને સેલવાસ પોલીસમાં ત્રણ સહિત કુલ ૧૨ મોબાઇલ સ્નેચીંગ, ચેઇન સ્નેચીંગ તથા મારા મારીના ગુના ઉપરાંત તડીપાર, ફેલીક્સ સીબુ થોમસ અને અમિત જયપ્રકાશ સીંગ વિરુદ્ધ વાપી GIDC પોલીસમાં અપહરણ કરી પચાસ લાખની ખંડણીના ગુનામાં અટક

Most Popular

To Top