Vadodara

સાંસદ વિરુદ્ધ પોસ્ટર વોરમાં વડોદરા કોંગ્રેસના પ્રમુખ નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન પહોચ્યા

  • કારેલીબાગ અને ખિસકોલી સર્કલ પાસે મુકાયેલા બેનર મામલે પોલીસે કુલ 6 કાર્યકરોની અટક કરી પૂછપરછ કરી હતી
  • કાર્યકરોએ પોલીસ સમક્ષ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના ઇશારે બેનર લગાવ્યા હોવાનું કબૂલ્યું હતું

શહેરમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગેલા પોસ્ટર વિવાદમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીનું નામ ખુલતા તેઓને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જે બાદ તેઓ પોતાનું નિવેદન આપવા માટે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખિસકોલી સર્કલ ખાતે પણ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે બંને મામલામાં પોલીસે હાલ સુધીમાં છ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. ઝડપાયેલા 6 વ્યક્તિઓ કોંગ્રેસના કાર્યકરો છે. તેઓએ આ બેનરો શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના ઈશારે લગાવ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી જે અંગે વારસિયા પોલીસે શહેર પ્રમુખને નોટિસ આપી નિવેદન આપવા માટે જણાવ્યું હતું. નોટિસ મળ્યા બાદ આજ રોજ શહેર પ્રમુખ ઋત્વિજ જોષી પોતાના સમર્થકો સાથે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગાંધીજીની પ્રતિમાને પણ સાથે રાખી હતી. શહેર પ્રમુખે જણાવ્યું હતું કે અમે કાયદાકીય બાબતોમાં સહકાર આપી છીએ. ભાજપમાં જ આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે અને વડોદરાનો વિકાસ નથી થયો તે ખુદ ભાજપના જ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જણાવી રહ્યા છે ત્યારે અમારે બેનરો લગાવવાની શું જરૂર પડે. પોલીસ સમક્ષ નિવેદન આપ્યુ છે તે જે પૂછશે તેનો જવાબ આપીશું.

Most Popular

To Top