Madhya Gujarat

સંતરામપુર પાલિકા ફાયર ફાયટરની સંભાળમાં નિષ્ફળ

સંતરામપુર : મહિસાગર જિલ્લામાં ફાયરના સાધનો અને તેની રખરખાવટમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ચાર તાલુકામાં વિરપુરમાં ફાયર ફાયટરની સુવિધા જ નથી. સંતરામપુર ફાયર બ્રિગેડનું અકસ્માત ગ્રસ્ત ફાયર હજુ સુધી રીપેરીંગ થયું નથી. બીજી તરફ અન્ય પાલિકાને ફાળવેલા સાધનોના રખરખાવટમાં સત્તાધિશોની બેદરકારીના કારણે પ્રજાજનોને શોષાવવાનો વખત આવ્યો છે. સંતરામપુર નગરપાલિકાના મોટા ફાયરફાયટર વરસો અગાઉ નગરપાલિકામાંથી કાઢતાં બેક ફેઈલ થઇ ગયું હતુ. જોકે, ડ્રાઇવરની સમયસુચકતાથી ફાયર ફાઈટર મામલતદાર કમ્પાઉન્ડમાં ઘુસાડી દીધું હતું. બાદમાં ફાયટર દિવાલ તોડીને પાછળ ખાડામાં ખાબક્યું હતું. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહતી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, આ અકસ્માત ગ્રસ્ત ફાયરફાયટરનો વીમો હોવાં છતાં પણ જેતે સમયના સંતરામપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કલેઈમ નહીં કરવામાં આવતાં આ ફાયરફાયટરનો વીમો મેળવી શક્યું નથી. આ ફાયર ફાયટર રીપેરીંગ કરવા માટે મોકલાવેલું હતું. પરંતુ અગમ્ય કારણોસર આ ક્ષતિગ્રસ્ત ફાયરફાયટર રીપેરીંગ કરાવ્યા વગર પરત લવાતા હાલ તે બિનઉપયોગી હાલતમાં પડ્યું છે. સંતરામપુર નગરપાલિકાના આવા વહીવટથી પ્રજામાં રોષની લાગણી જન્મી છે.

સંતરામપુર પાલિકાને સરકાર દ્વારા મિનિ ફાયર ફાયટરની સુવિધા અપાયેલી છે. પરંતુ આ ફાયર ફાયટરની જાળવણી અને સાચવણી પાલિકા સંતરામપુર દ્વારા વ્યવસ્તિત રીતે નહીં થતી હોવાના કારણે સંતરામપુર તાલુકા માટે આકસ્મિક સંજોગોમાં ઉપયોગી એવું આ એકમાત્ર મીની ફાયર ફાયટર રીપેરીંગ નહીં કરાવતા છેલ્લા કેટલાક મહિનાથી બગડેલી હાલતમાં બંધ હાલતમાં બિનઉપયોગી પડ્યું છે. જેના કારણે આગના સમયે વધુ નુકશાન થાય છે.

ફાયર ફાયટરના અભાવે આગના સમયે વધુ નુકસાન થાય છે
સંતરામપુર નગરપાલિકા દ્વારા મીની ફાયર ફાયટર બગડેલું હોવાથી તાત્કાલિક રીપેરીંગ કરવા માંગણી ઉઠી છે. નગરપાલિકાના બિનજવાબદાર ભરેલા વહીવટને કારણે નગરમાં કોલેજ રોડ પર આવેલા હોન્ડા શો રુમ માં રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ફાયર ફાયટરના અભાવે આગ વધુ પ્રસરી હતી અને પ્રચંડ રુપ ધારણ કર્યું હતું. પરંતુ બનાવની ગંભીરતા જો નગરપાલિકાના સત્તાધીશોને વહીવટ કરનારાએ ધ્યાને રાખીને નગરપાલિકાના પાણીના ટેન્કર દ્વારા પાણી ઘટના સ્થળે પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાણીના ટેન્કરો આગ બુઝાવવા નિષ્ફળ રહ્યાં હતાં. આ આગને લોકો વિશાળ સંખ્યામાં ઘટના સ્થળે ઊમટી પડેલા અને દરેકે આગને બુઝાવવા પ્રયાસ કયોઁ હતો.

Most Popular

To Top