Vadodara

શહેરમાં મંગળવારે આગ લાગવાના 7 બનાવો

  • ફાયર વિભાગમાં સતત કોલ રણકતા રહ્યા
  • મોટા ભાગના બનાવોમાં કચરામાં આગળ લાગવાની ઘટના

ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં આગ લગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મંગળવારે એક જ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આગની 7 ઘટનાઓ નોંધાઈ હતી. ફાયર વિભાગના ફોન  સતત રણકતા રહ્યા હતા.

સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે. હાલમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અને બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં નાની મોટી આગ લાગવાના 7 બનાવો નોંધાયા છે.  કાપુરાઇ ચોકડી નજીક ખુલ્લા ખેતરમાં કચરામાં આગ લાગી હતી નજીકમાં જ પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી ફાયર વિભાગની 3 ગાડીઓ ત્યાં પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો નવાયાર્ડ વિસ્તારમાં અપાર કંપનીના ગોડાઉનમાં,  આ ઉપરાંત ઊર્મિ સ્કૂલ નજીક વિશ્વામિત્રીના કોતરમાં આગ લગતા ફાયર વિભાગની એક ગાડી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત શહેરના કાલાઘોડા ફતેગનાંજ બ્રિજ નીચે કચરામાં, ગોરવા સ્મશાનમાં કચરામાં અને મંગલ પાંડે રાત્રી બજાર નજીકના કોતરમાં કચરામાં  આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. ફાયર વિભાગ પણ હાલ એલર્ટ થઇ ગયું છે. અને ઉનાળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓ સામે પહોંચી વળવા સક્ષમ છે

વાસણા રોડ ઉપર શોર્ટ સર્કિટના કારણે આગ લગતા ઘરવખરીને નુકસાન 

વાસણા રોડ ઉપર વૈભવ બંગ્લોઝમાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વૈભવ બંગ્લોમાં આશિષ પાંડેના મકાનમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગમાં મકાનનું  એ.સી. અને ફર્નિચર  બળીને ખાક થઇ ગયું હતું. જેમાં આશિષ પાંડેને 1 લાખ જેટલું નુકસાન પહોંચ્યું હતું.

ઊર્મિ બ્રિજ નીચે ઝાડીઝાંખરા સળગતા સ્થાનિકોને પરેશાની 

શહેરના સમા સાવલી રોડ ઉપર ઊર્મિ સ્કૂલના બ્રિજ નીચે વિશ્વામિત્રી કોતરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઝાડી ઝાંખરામાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અને તેના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાનું જાણવા મળી રહયું છે. ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ રહીશો પરેશાન થઇ ગયા હતા. 

શેરડીનો રસ કાઢવાના મશીનમાં એક વ્યક્તિનો હાથ ફસાયો 

શહેરના રેસકોર્સ વિસ્તારમાં રોડની સાઈડ ઉપર શેરડીના રાસની હાટડી ચલાવતા એક વ્યક્તિનો હાથ રસ કાઢવાના મશીનમાં ફસાઈ ગયો હતો. મૂળ લીમખેડાના ધર્મેશ ડામોર નામનો વ્યક્તિ રસ કાઢી રહ્યો હતો દરમિયાન તેનો હાથ ફસાઈ ગયો હતો આ અંગેની વર્ધી ફાયર વિભાગને મળતા તેઓએ સ્થળ ઉપર પહોંચી હાથ કાઢી ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. 

Most Popular

To Top