Madhya Gujarat

વ્યાજખોરે મહિલા પાસે રૂ.1.50 લાખની સામે 15.5 લાખ માંગ્યાં

નડિયાદ: નડિયાદના વ્યાજખોરે એક વિધવા મહિલાને માસિક 10 ટકાના વ્યાજે 1,50,000 રૂપિયા આપ્યાં બાદ મહિલા પાસેથી રોકડ તેમજ સોનાનું મંગળસુત્ર મળી કુલ રૂ.2,65,000 રૂપિયાની વસુલાત કરી હતી. જે બાદ મહિલાએ વ્યાજ ચુકવવાનું બંધ કરી દેતાં વ્યાજખોરે વ્યાજનું વ્યાજ ગણી કુલ રૂ.15,50,000 બાકી કાઢ્યાં હતાં. નડિયાદમાં એસ.આર.પી કેમ્પની સામે આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં રહેતાં નૈનાબેન સુરેશચંન્દ્ર પંડ્યાના પતિનું સન 2013 માં અવસાન થયું હતું. જે બાદ ઘરની તમામ જવાબદારી નૈનાબેનના માથે આવી ગઈ હતી. છએક વર્ષ અગાઉ પુત્રના લગ્ન માટે નૈનાબેનને બે ભાગમાં દોઢ લાખ રૂપિયા ઘર નજીક રહેતાં કેતન નારણ પંચાલ પાસેથી માસિક 10 ટકાના વ્યાજે લીધાં હતાં.

નૈનાબેન એકાદ મહિનો વ્યાજ ચુકવી ન શકે તો કેતનભાઈ બીજા મહિને વ્યાજનું વ્યાજ પણ વસુલતાં હતાં. નૈનાબેને બે તબક્કામાં લીધેલાં કુલ રૂ.1,50,000 ની સામે રૂ.1,85,000 રૂપિયા કેતનભાઈને ચુકવ્યાં હતાં. જે બાદ આર્થિક સંકળામણને કારણે નૈનાબેન વ્યાજ ચુકવી શક્યાં ન હતાં. દરમિયાન કેતનભાઈએ વધુ 15,50,000 બાકી કાઢ્યાં હતાં અને આ રકમની વસુલાત માટે મારી નાંખવાની ધમકીઓ આપી હતી. કેતનભાઈના ત્રાસથી કંટાળેલા નૈનાબેને આખરે આ મામલે નડિયાદ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ આપી હતી.

Most Popular

To Top