Vadodara

વિરોધીઓએ પણ કેતન ઈમાનદાર સામે મોરચો ખોલ્યો, મહી નદીમાં ખનન અને ડ્રગના મુદ્દા ઉછળ્યા



દર વખતે પક્ષનું નાક દબાવતા સાવલીના ધારાસભ્ય સામે આ વખતે નમતું નહિ જોખાય તેવા પણ સંકેત

રંજનબેને કહ્યું, કેતનનો સંપર્ક થયો નથી

વડોદરા: વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં વકરેલો જૂથવાદ હવે વરવું સ્વરૂપ પકડી રહ્યો છે. રંજનબેન ભટ્ટની પસંદગી ઉમેદવાર તરીકે થયાં બાદ પણ તેમના કરીબી મનાતા કેતનના રાજીનામાએ આશ્ચર્ય સર્જ્યું છે. કેતન ઉપરાંત તેમનાં સમર્થકો પણ ધડાધડ રાજીનામા આપી રહ્યા છે. આમ તો કેતનની આ જૂની મોડસ ઓપરેન્ડી છે અને ભૂતકાળમાં પણ તેઓ સાથી ધારાસભ્યો સાથે મળીને પાર્ટીનું નાક દબાબી ચૂકયા છે. બરોડા ડેરીના વિવાદમાં પણ તેમણે પોતાનું ધાર્યું કરાવ્યું છે.

જોકે આ વખતે તેમનાં વિરોધીઓ પણ મેદાનમાં આવી ગયા છે. આણંદ જિલ્લાના કેટલાક વિસ્તાર અને સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં થઈ રહેલા રેતી અને માટી ખનનમાં કેતનની સંડોવણીના પુરાવા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મોકલવામાં આવી રહ્યા છે. 2022માં સાવલીમાં પકડાયેલા એમડી ડ્ગ્સમાં પણ કેતનના કેટલાક નજીકના માણસો સંડોવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ભાજપના એક વરિષ્ઠ આગેવાને ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે દર વખતે પક્ષને બ્લેકમેલ કરવાની કેતનને ટેવ પડી ગઈ છે. આ વખતે પક્ષ તેમનું રાજીનામું સ્વીકારી લઇ પાઠ ભણાવશે એમ લાગી રહ્યું છે.

દરમિયાન રંજનબેન ભટ્ટે કેતનના રાજીનામા વિશે અજાણતા હોવાનો દાવો કરી જણાવ્યું હતું કે રાજીનામા અંગે કેતને મારી સાથે વાત કરી નથી. હું તેમની સાથે વાત કરીને રાજીનામું નહિ આપવા સમજાવીશ.

Most Popular

To Top