Madhya Gujarat

વિદેશી કમાણીની લાલચે દેવગઢ બારિયાના યુવાનો દુબઈ તો પહોચ્યા… પછી શું થયું ?

વિદેશી નાણું કમાવાની લહાઈમાં દુબઈમાં ફસાયા.

વિદેશ જતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો…
દેવગઢબારિયા પંથક માંથી વધારે રૂપિયા કમાવવાની લહાયમાં લેભાગુ એજન્ટના ભરોસે વિદેશ ગયેલા કોળી સમાજના ત્રણ યુવાનો દુબઈમાં ફસાય જતા સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાં વસતા ગુજરાતીઓના સહયોગથી હેમખેમ વતન પહોંચ્યા હતા.
ગુજરાતીઓ ધંધાની બાબતમાં તો અગ્રેસર છે જ તેમ છતાં વિદેશમાં જઈ કિસ્મત અજમાવી વધુ નાણા કમાઈ લેવાની ઘેલછા પણ દિન પ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે. જેમાં ઉચ્ચ અભ્યાસ કરી વિદેશમાં સેટલ થવા વાળાઓની સાથે સાથે મજૂર વર્ગના લોકોને પણ વિદેશી રૂપિયો કમાવાનો શોખ જાગ્યો છે, જેમાં આપણા દાહોદ અને પંચમહાલના યુવાનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિદેશ મોકલનાર લેભાગુ એજન્ટો દ્વારા નોકરી આપવાની લાલચ આપી નાણા ખંખેરી વિદેશની ધરતી પર છોડી મૂકવામાં આવ્યા હોવાના કિસ્સા પણ જોવા મળ્યા છે.
તાજેતરમાં જ દેવગઢ બારીયા તાલુકાના ચાર યુવાનોને વિદેશમાં નોકરીની ખોટી લાલચ આપી એજન્ટ દ્વારા દુબઈ મોકલી આપતા એરપોર્ટ પર જ ફસાઈ જવા પામ્યા હતા. ત્યાં તેમને ખાનગી કંપનીમાં નોકરી આપવામાં આવશે તેવી ખોટી લાલચ આપી અઢળક નાણા ખંખેરી લઈ દુબઈ મોકલી આપવામાં આવ્યા હતા. તેવો જ એક કિસ્સો ફરીથી સામે આવ્યો છે જેમાં દેવગઢ બારીયા નજીકના તળાવ મુવાડા ગામના સુભાષ સરદાર બારીયા, મોરવા હડફ તાલુકાના રામપુર ગામના હિતેશ પર્વત બારીયા અને મોજરી ગામના અલ્પેશ દલપત બારીયા નોકરી ધંધાની લાલચમાં આવી ગલ્ફ કન્ટ્રી યુએઈ ખાતે એજન્ટના માધ્યમથી ગયા હતા. જ્યાં તેમને કોઈ કામ ધંધો મળ્યો ન હતો અને ઉપરથી તેમના પાસપોર્ટ પણ ત્યાં લઈ લેવામાં આવ્યા હતા. જેથી આ ત્રણેય યુવાનો વિદેશની ધરતી પર વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. ત્યારે ગોધરા તાલુકાના મડા મહુડાના વતની અને છેલ્લા પાંચ વર્ષથી દુબઈ ખાતે રહેતા સુભાષ રમણ બારીયા ને ગુજરાતી માણસો દુબઈમાં ફસાયા હોવાની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા 450 થી 500 કિમી દૂર આ ત્રણેયના કામના સ્થળ પર પહોંચી રૂબરૂ મુલાકાત કરી તમામ માહિતી જાણી હતી. તેમજ સુભાષ બારીયા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના અબુધાબી ખાતેના પ્રમુખ હોય પોતાના સોર્સને કામે લગાડી તાત્કાલિક ત્રણેય યુવાનોને પરત લાવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી રામપુરના ખુમાનસિંહ તથા ચંદ્રસિંહ પટેલ તેમજ રમેશ નાનજી બારીયાએ ભેગા મળી ત્રણેય યુવાનોને હેમખેમ પરત વતન લાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top