Vadodara

વાઘોડિયાના એક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો

વડોદરા

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે 56 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો. ગૌમાંસ હોવાની શંકાના પગલે પોલીસ દ્વારા તેની ચકાસણી માટે એફ.એસ.એલ. સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે ઘરમાં માસ લાવી છુટક વેચાણ કરનાર બે ભાઈ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા આનંદનગરીમાં આંગણવાડી પાછળ રહેતો અલ્તાફ શાબીર કુરેશી અને તેનો ભાઇ નિયાજ શાબીર ભાઇ કુરેશી તેમના ઘરમાં ગૌ વંશને લાવી તેમનું કતલ કર્યા બાદ ગૌ માંસનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના મકાનમાં રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે ઘરમાં તપાસ કરતા 56 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો અને થાંભલા સાથે બાંધવામાં આવેલા બે પશુ મળી આવ્યા હતા. પોલીસે ગૌમાક્ષ હોવાની આશંકા એ પશુ ચિકિત્સા અધિકારી મારફતે તેના સેમ્પલ લેવડાવીને સુરત ખાતે આવેલી એફએસએલ લેબોરેટરીમાં વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. થાંભલા સાથે બાંધેલા બે પશુ કબજે કર્યા બાદ પોલીસે અલ્તાફ ભાઇ શાબીર કુરેશી અને નિયાજ શાબીર કુરેશી (બંને રહે. આનંદનગરી, બસ ડેપો પાછળ, વાઘોડિયા) સામે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top