Vadodara

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પકડવા ગઈ તો પત્ની અને સાઢુએ ઝગડામાં ઉલઝાવી આરોપીને ભગાડી દીધો

મહારાષ્ટ્રનો આરોપી એકતાનગરમાં સાઢુના ઘરે આવતા ડીસીબીની ટીમ પકડવા ગઇ હતી

પોલીસ કામગીરીમાં અવરોધ કરવા બદલ પત્ની અને સાઢુ સહિત ત્રણ લોકોની ધરપકડ


મહારાષ્ટ્રના ધરણગાવ પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી આજવા રોડ પર એકતાનગરમાં રહેવા માટે આવ્યો હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા માટે ગઇ હતી. ત્યારે આરોપીની પત્ની તથા સાઢુ સહિતના લોકોએ પોલીસ સાથે ગાળાગાળી કરીને આરોપીને પાછળના દરવાજાથી ભગાડી મુક્યો હતો. જેથી ડીસીબીના પીએસઆઇ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પત્ની અને સાઢુ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી એન રબારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 6 માર્ચના રોજ અમારા સ્ટફના એએસઆઇ ભરતભાઇ રામુભાઇ, અ.હે.કો. રમેશભાઇ શકરાભાઇ, અ.હે.કો અનિરુદ્ધસિંહ કાનજીભાઇ, અ.હે.કો. જગદીશભાઇ મોતીભાઇ, અ.પો.કો. જયરાજસિંહ કિશનસિંહ, ભેપુન્દ્રસેિંહ નરેન્દ્રસિંહ અને પો.કો. રાજવીરસિંહ નથુભા સાથે શહેર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હે.કો. અનિરુદ્ધસિંહને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ધરણગાવ પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી ભુસ્સી ઉર્ફે દિપસિંગ ટાંક આજવા રોડ પર એકતાનગરમાં રહેતા તેના સાઢુભાઇ સાકુનસિંગ બહાદુરસિંગ સીકલીગરના ઘરે આવ્યો છે. જેથી અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકતાનગરમાં પહોંચી ત્યારે સિકલીગર મહોલ્લામાં સાકુનસિંગના ઘરમાં તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેથી તેને પકડી બહાર લાવવાનો પ્રયાસ કરતા તેના સાઢુ સાકુંનસિંગ સિકલગીર, મદનસિંગ સિકલીગર, આરોપી ભુસ્સી ઉર્ફે દીપકસિંગ ટાંકની પત્ની નવલકૌર ટાંકે અમારી સાથે ગાળાગાળી કરી આરોપીને નહી લઇ જવા માટે પોલીસ કામગીરીમાં રુકાવટ કરી હતી. તે દરમિયાન આરોપી ઘરના પાછળના દરવાજાએ ભાગી ગયો હતો. જેથી બાપોદ પોલીસે આરોપીની પત્ની નવલકૌર ટાંક તથા સાઢુ સહિત ત્રણ લોકોની ઈપીકો 186,294 (ખ) 114 મુજબ ગુના હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્રનો ભુસ્સી ઉર્ફે દિપકસિંગ ટાંક લૂંટના ગુનામાં નાસતો ફરતો હતો

મહારાષ્ટ્રના થાના હનુમાનનગર ભિવંડી ખાતે રહેતો ભુસ્સી ઉર્ફે દિપકસિંગ ટાંક જલગાવ જિલ્લાના ધરણગાવ પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ 394,395 120, 34 તથા આર્મ એક્ટની કલમ 4/24 મુજબના ગુનામાં છેલ્લા છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. દરમિયાન તેની પત્ની સાથે આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેવા માટે આવ્યો હતો.

Most Popular

To Top