Vadodara

વડોદરા : એસટી વિભાગને પાંચ દિવસમાં 21.86 લાખની આવક

હોળી-ધૂળેટીના તહેવારમાં મુસાફરો માટે ખાસ વધારાની બસો મુકવામાં આવી હતી

સાત ડેપોમાં થઈ 288 વધારાની ટ્રીપોમાં 15,629 મુસાફરોએ મુસાફરી કરી

( પ્રતિનિધિ ) વડોદરા તા.27

વડોદરા એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને લઈને મુસાફરો માટે વધારાની બસો મૂકવામાં આવી હતી. જેમાં આ વખતે વડોદરા એસટી વિભાગમાં આવતા સાત ડેપોમાંથી 288 વધારાની ટ્રીપ મારવામાં આવી હતી. આ વખતે કુલ 15,629 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં 21.86 લાખની એસટી વિભાગને આવક થઈ હતી.

વડોદરા શહેરમાં રોજગારી માટે જિલ્લા તેમજ આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારો સહિત રાજ્ય બહારથી પણ લોકો આવતા હોય છે. ખાસ કરીને મજૂરી કામ માટે પંચમહાલ , છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના લોકો આવે છે. અને હોળી ધુળેટીનો પર્વ તેમના માટે અનેરું મહત્વ ધરાવે છે. પ્રતિવર્ષ હોળી ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે હેતુસર વડોદરા એસટી વિભાગ દ્વારા 300 ઉપરાંત વધારાની બસો સાથે ટ્રીપો મારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 20 માર્ચથી 24 માર્ચ દરમિયાન કુલ 288 જેટલી ટ્રીપ મારવામાં આવી હતી. જેમાં વડોદરા એસટી વિભાગના સાત ડેપોમાં 41,073 કિલોમીટરની મુસાફરી 15,629 મુસાફરોએ કરી હતી. જેમાં હોળી ધુળેટીના પર્વમાં એસટી વિભાગને 21,86,385 રૂપિયાની આવક થઈ છે. નોંધનીય છે કે ગત વર્ષે 255 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે તેના કરતા વધારે મુસાફરોની શક્યતાઓને ધ્યાને રાખવામાં આવી હતી. આ વખતે 330 બસો મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 માર્ચથીજ આ સાથેનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે આ વખતની હોળી એસટી વિભાગને ફળી હતી.

Most Popular

To Top