Madhya Gujarat

મહેમદાવાદના શખ્સે 10 બોગસ પેઢી ઉભી કરી 83 કરોડનું કૌભાંડ આચર્યું

આણંદ : ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગ કાંડમાં મહેમદાવાદના શખસને પકડી પાડ્યો છે. આ શખસે દસ જેટલી બનાવટી પેઢીઓ ઉભી કરી 83 કરોડના બિલ બનાવી રૂ.15 કરોડની ખોટી વેરાશાખ પાસઓન કરી હતી. હાલની ધરપકડમાં મોટા માથાના નામ ખુલશે. જેની સામે કાર્યવાહી કરવા ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આધારે ધ્યાને આવેલા કે ઇરફાન સબ્બીરહુસેન કાઝી (રહે.મહેમદાવાદ) દ્વારા જરૂરિયાતમંદ, આર્થીક રીતે નબળા લોકોને આર્થિક પ્રલોભન આપી તેઓના દસ્તાવેજી પુરાવાઓ જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇટ બિલ વગેરે મેળવી તેઓના નામે પેઢીઓ ઉભી કરવા માટે ભાડા કરાર વગેરે કરાવી બેંક ખાતાઓ ખોલાવી જીએસટી નંબર મેળવવામાં આવતો હતો.

જેમાં અત્યાર સુધીની ધ્યાને આવેલી તપાસમાં માસ્ટર માઇન્ડ ઇરફાન સબ્બીરહુસેન કાઝી દ્વારા ગુજરાત રાજ્યમાં કુલ દસ બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ જીએસટી નંબર મેળવી રાષ્ટ્રવ્યાપી બિલીંગ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પેઢીઓ થકી ઇરફાન સબ્બીરહુસેન કાઝી દ્વારા માલ, સેવાના ખરેખર આપ – લે વિના ફક્ત પેપર ટ્રાન્ઝેકશન દર્શાવી રૂ.83 કરોડના બિલો ઇશ્યુ કરી રૂ.15 કરોડની વેરાશાખ અન્ય બેનીફીશરીઓને પાસઓન કરી છે. જે ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા 27મી ફેબ્રુઆરી,23ના રોજ ધરપકડ કરવામાં આવી છે. જેને અમદાવાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં વધુ તપાસ અર્થે તેના સાત દિવસના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન મંજુર કરવામાં આવ્યાં છે. આ કેસમાં વધુ તપાસ હાલ ચાલી રહી છે, જેમાં આવી પેઢીઓની સંખ્યા તથા પાસઓન કરેલા વેરાશાખનું ક્વોન્ટમ વધવાની શક્યતા છે.

Most Popular

To Top