Business

મનપા દ્વારા 6 સ્થળોએ બ્રિજ  બનાવવાના છે ત્યાં મેયર તથા સ્થાયી સમિતિના સભ્યોની નિરીક્ષણ

  • સ્થાનિક કોર્પોરેટરો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા
  • શહેરમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે બજેટમાં 6 ફ્લાય ઓવરની ફાળવણી કરાઈ છે

વડોદરા શહેરના ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને 6 નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની ફરતે રિંગરોડ સાથે આ નવા બ્રિજના કારણે ટ્રાફિકનું ભારણ હળવું બને તેવી આશા છે ત્યારે જે સ્થળોએ આ બ્રિજનું નિર્માણ કરવાનું છે ત્યાં શનિવારે મેયર તેમજ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને સ્થાનિક કોર્પોરેટર પાસેથી વિવિધ સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકાના બજેટમાં આ વખતે શહેરમાં નવા 6 ફ્લાય ઓવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ બ્રીજનું નિર્માણ કાર્ય શરુ થશે. અને સ્થાયી સમિતિના એજન્ડામાં પણ આ બ્રીજનું કામ મંજુરી માટે મુકવામાં આવ્યું છે. ત્યારે શનિવારે મહાનગરપાલિકાના મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી તેમજ અન્ય સભ્યો સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. 6 સ્થળોએ સ્થળ નિરીક્ષણ કરી સ્થાનિક કોર્પોરેટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને નવા બ્રિજ કેવી રીતે નિર્માણ કરવા તે માટેના સૂચનો પણ લેવામાં આવ્યા હતા. આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નવા બ્રિજ મંજુર કરવામાં આવ્યા છે જેનું કામ શરુ થશે. ત્યારે હાલ સૂચનો લેવામાં આવ્યા છે. અને તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્માણ કાર્ય શરુ થશે.

Most Popular

To Top