Entertainment

‘ફીર સુબહ હોગી’ના સંગીત માટે ખૈયામ સાહેબે રાજકપૂરની પરિક્ષામાંથી પાસ થવું પડેલું

રાજકપૂરની પોતાની ફિલ્મોમાં શંકર-જયકિશનનું સંગીત જ હોય તે તો બહુ જાણીતી વાત હતી પણ રાજકપૂર કોઇ બહારના નિર્માતાની ફિલ્મોમાંકામ કરે તો તેમાં પણ સામાન્યપણે શંકર-જયકિશનનું જ સંગીત રહેતું. રાજકપૂર તો કથા-પટકથા, દિગ્દર્શક, સહકળાકારો બાબતે પણ પોતાની પસંદગી સ્પષ્ટ કરતા કારણ કે તેમણે પોતાની ફિલ્મના ધોરણ નક્કી કરેલા હતા. તેમને ખબર હતી કે તેમના પ્રેક્ષકો રાજકપૂરની ફિલ્મો પાસે કેવી અપેક્ષા રાખે છે.
‘ફીર સુબહ હોગી’માં સાહિરના ગીતો અને ખૈયામનું સંગીત છે. રાજકપૂરની ફિલ્મ હોય તો શૈલેન્દ્ર-હસરતના ગીતો અને શંકર-જયકિશનનું સંગીત હોય પણ એવું આ ફિલ્મ બાબતે નથી. ઇન્ડિયન પિપલ્સ થિયેટરમાં કામ કરી ચુકેલા રમેશ સહેગલ કે જે દિલીપકુમાર-કામિની કૌશલ સાથે ‘શહીદ’ ‘શિકસ્ત’, અશોકકુમાર સાથે ‘સમાધિ’ સુનીલ દત્ત સાથે ‘રેલવે પ્લેટફોર્મ’ બનાવી ચુકેલા તેમણે ફિયોડોર દોસ્તાવેસ્કીની ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ પરથી ‘ફીર સુબહ હોગી’થી યોજના બનાવી હતી. આવી ફિલ્મના ગીતો સાહિર લુધ્યાનવી જ લખે તે તેમના મનમાં નક્કી હતું પણ સાહિર કહે કે ગીતો તો હું લખું પણ સંગીતકાર કોણ હશે? રમેશ સહગલે કહ્યું કે રાજકપૂર છે તો શંકર-જયકિશન જ હોયને! સાહિરે જરાવાર વિચારીને કહ્યું, ‘શંકર-જયકિશન ઉત્તમ સંગીતકાર છે તેની ના નહીં પણ આ ફિલ્મના સંગીતકાર એવા હોવા જોઇએ જેમણે ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ નવલકથા વાંચી હોય. રમેશ સહગલ પૂછે, ‘એવા તો કોણ છે?’ સાહિતે ખૈયામનું નામ આપ્યું. રમેશ સહગલના નામ તો બરાબર લાગ્યું પણ કહે કે રાજકપૂર તેમને મંજૂર રાખશે તો જ શકય બનશે અને તેમણે રાજકપૂરની પરિક્ષામાંથી પસાર થવું પડશે.
રમેશ સહગલે સાહિર સાહેબને કહ્યું તમે કાંઇક લખો અને તે ખૈયામ સાહેબ રાજકપૂરને સંભળાવશે. જો રાજજી હા પાડે તો તેઓ નક્કી. સાહિર સાહેબે કવિતા લખી:
વો સુબહ કભી તો આયેગી
ઇન કાલી સદિયો કે સિરસે
જબ રાત કા આંચલ ઢલકેગા
જબ દુ:ખ કે બાદલ પિઘલેંગે
જબ સુખ કા સાગર છલકેગા
જબ અંબર ઝૂમ કે નાચેગા
જબ ધરતી નગ્મે ગાયેગી
વો સુબહ કભી તો આયેગી
રમેશ સહગલે આ પંકિતઓ ખૈયામ સાહેબને આપતા કહ્યું કે ફિલ્મમાં કઇ જગ્યાએ તે આવશે. ખૈયામ સાહેબ તેમાં ત્રણ શેડ જોયા- નિરાશા- ર્ઝવો સુબહ કભી તો આયેગી. થોડી આશા- વો સુબહ કભી તો આયેગી. પછી પૂર્ણ આશા- વો સુબહ કભી તો આયેગી. ફિલ્મમાં પણ એજ ભાવ છે. તેમણે એ રીતે જ એ કવિતાને સૂરોમાં બાંધી.
હવે ખૈયામ સાહેબ રાજકપૂરજીને મળે એ સમય આવ્યો. મુલાકાત નક્કી કરવામાં આવી. ખૈયામ આર.કે. સ્ટૂડિયો પહોંચ્યા. રાજજીએ તેમને તેમના મ્યુઝિક રૂમમાં બેસાડયા. બેઠા પછી એક તાનપૂરા તરફ ઇશારો કરીને કહ્યું- ‘આ તાનપૂરો મને લતાજીએ ભેટ રૂપે આપ્યો છે. જે દિવસે હું તેને લાવ્યો ત્યારથી તે ત્યાં જ છે. તેને કોઇએ છેડયો નથી.’ ખૈયામ સમજી ગયા કે તેમની પરિક્ષા શરૂ થઇ ચુકી છે. તેમણે કહ્યું. ‘તાનપૂરો ખોલાવો’ રાજકપૂરે તાનપૂરો ખોલાવ્યો. સાફ કરાવ્યો અને ખૈયામના હાથમાં મુકાવ્યો. તાનપૂરાની ખાસિયત છે કે તેને એજ છેડી શકે જે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતા હોય.
ખૈયામે તાનપૂરો હાથમાં લીધો એટલે રાજકપૂરે તો આંખ બંધ કરી દીધી ને રાહ જોતા હોય તેવા ભાવ ચહેરા પર ઊતરી આવ્યા. પછી આંખ ખોલી અને ખૈયામને કહ્યું, ‘આ સાંજનો સમય છે! ખૈયામ સમજી ગયા કે ગોધુલીની બેલા છે એટલે રાજજી રાગ પૂરિયા ધનાશ્રી સાંભળવા ઇચ્છે છે.
ખૈયામે એજ રાગ વગાડીને સંભળાવ્યો અને તેઓ પ્રસન્ન થયા. રાજકપૂર એક સંપૂર્ણ ફિલ્મ સર્જક હતા. તેમને ફિલ્મની બધી જ બાબતોની ખબર હતી. સુર-લય-તાલની તેમને સમજ હતી. રાગ સાંભળી તેમણે ચા મંગાવી. થોડીવાર પછી કહ્યું, ‘અચ્છા, કોઇ ધૂન સંભળાવો.’
ખૈયામ સાહેબે ‘વો સુબહ કભી તો આયેગી’ની ધૂન સંભળાવી. રાજ સાહેબ ચકિત રહી ગયા.
ખૈયામસાહેબે એજ ધૂનનું બીજું વર્ઝન સંભળાવ્યું. રાજજીના ચહેરા પર કોઇ ભાવ જ નહીં. ખૈયામ ચિંતામાં પડી ગયા.
તેમણે બીજી પાંચ-છ ધૂન સંભળાવી.
રાજસાહેબે બધી ધૂનો સાંભળી. ખૈયામ સાહેબે ધૂન સંભળાવવી પૂરી કરી તો રાજસાહેબે રમેશ સહગલને ઇશારો કર્યો અને મ્યુઝિક રૂમની બહાર લઇ ગયા. ખૈયામને થયું ખબર નહીં રાજસાહેબ શું નિર્ણય લેશે. તેમને થયું કે ના પાડશે તો એક મોટી ફિલ્મ હાથમાંથી સરકી જશે.
રાજસાહેબ તો 40 મિનિટ સુધી પાછા જ ન ફર્યા. ખૈયામ સાહેબની દશા બૂરી થતી જતી હતી. ચાળીસ મિનિટ પછી પહેલાં રમેશ સહગલ અંદર આવ્યા અને આવીને ખૈયામ સાહેબનું માથુ ચુમી લીધું, ‘અરે, તમે તો કમાલ કરી દીધી. રાજસાહેબ કહેતા હતા કે આવી ધૂનો તેમણે કદી સાંભળી નથી. બહુ સારી ધૂન બનાવી છે ખૈયામે. મતલબ કે ફીર સુબહ હોગી’નું સંગીત ખૈયામસાહેબને મળી ચુકયું હતું. •

Most Popular

To Top