Columns

નર્મદાનાતટ ઉપર ઊગેલી એક સાંજ

આકાશ ગુલાબી અને બદામી રંગ ઓઢી દૂર ક્ષિતિજો સુધી વિસ્તરી રહ્યું છે. અંધારાંનાં પંખીઓ પાંખો પ્રસરાવી ઊડી રહ્યાં છે. વૃક્ષો સ્થિતપ્રજ્ઞની જેમ શાંત કોઈ યોગીની મુદ્રામાં ઊભાં છે. અંધારું સૌથી પહેલું આ વૃક્ષોની ડાળીઓ ઉપર ટીંગાયું છે. વૃક્ષો તેથી ઝાંખા ઝાંખા દેખાઈ રહ્યાં છે. ક્ષિતિજો સુધી વિસ્તરેલું આકાશ ગુલાબી, કેસરી, નારંગી અને વચ્ચે વચ્ચે ભૂરા રંગથી રંગાયું છે. એકલદોકલ તારા લટાર મારવા નીકળી પડયા છે, ત્યારે આથમતી સાંજને આંખોમાં ભરી હું નારેશ્વર મંદિરનો ઢોળાવ ઊતરી રહ્યો છું. પવન તો સાવ પડી ગયો છે, છતાં જાણે કોઈ ધક્કો મારતું હોય એમ હું ગબડી પડું છું; ને પહોંચી જાઉં છું મા નર્મદાના ખોળામાં! એની નિશ્રામાં! નારેશ્વરના વિશાળ પટમાં વહેતી નર્મદા આ સમયે શાંત છે. કલકલ વહેતાં એનાં જળ જંપી ગયાં છે. નાના બાળકની જેમ સહજતાથી ઊછળતીકૂદતી નર્મદાના ચહેરા ઉપર ગાંભીર્યના ભાવ છે. કોઈ અજાણી ચિંતાનાં વાદળોથી એનો ચહેરો ભારે બની ગયો છે. એના કાંઠા ઉપર પ્રવાસીઓ-યાત્રીઓના ટોળાં એકબીજાને અથડાય છે, વિખરાય છે. લોકોનાં ટોળાં વચ્ચે નર્મદાને શોધવી જાણે મુશ્કેલ જણાય છે ! ઢોળાવવાળા આખા રસ્તે – મંદિરથી માંડી છેક નર્મદાના કાંઠા સુધી નાનીમોટી રેકડીઓ, હરતી- ફરતી દુકાનો અને એમની વચ્ચે પાર્કિંગ માટે આગળપાછળ થતી ગાડીઓ વચ્ચે હું નર્મદાને શોધી રહું છું. નર્મદા વિશ્વની એકમાત્ર એવી નદી છે, જેની પરિક્રમા થાય છે ત્યારે અહીં એના કાંઠા ઉપર લોકોના હાથમાં વેફરનાં પૅકેટ અને મિનરલ પાણીની બોટલ જોઈ નર્મદાની આંખ પણ ભીંજાય છે! કંઈ કેટલાંય પશુ-પંખીઓ મા નર્મદાનું પાણી પીને તૃપ્ત થાય છે અને નર્મદા વનવેલીઓ, ગીચ ઝાડીઓ, જંગલો, ખડકોમાંથી પસાર થઈ તેના જળમાં કેટલીય ઔષધિઓ ભેળવી અમૃત સમાન બને છે. આ જીવન અમૃતને આજની પેઢી ગુમાવી રહી છે, તેનાથી દૂર ભાગી રહી છે.
નર્મદા એ તો મોક્ષદાયિની છે. એના સ્પર્શમાત્રથી જીવન ચેતનવંતું બની ધબકી ઊઠતું હોય છે. એના ચરણે, એના શરણે આવેલો માણસ સ્થિર થઈ ભીતરની યાત્રા તરફ વળી જાય છે. એની તમામ વાસનાઓ, મોહ બધું જ નર્મદાના જળમાં ઓગળી જાય છે. જ્યારે મારી આંખો સામે માણસોનાં ટોળાં દોડ્યાં કરે છે. શું એ અહીં આવીને પણ સ્થિર કેમ નહીં થઈ શકતો હોય? અને ક્યારેક તો લાગે કે સ્થિર થવું એ તો જાણે એની પ્રકૃતિ જ નથી! સતત દોડ્યા કરવા જ એનો જન્મ થયો છે જાણે! નારેશ્વરના પ્રાકૃતિક – ધાર્મિક વાતાવરણમાં પણ એ શાંત બેસી શકતો નથી, માણસ એની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓથી જાણે બંધાઈ ગયો છે. મજબૂર બની ગયો છે. કવિ લાભશંકર ઠાકરે કહે છે એમ, ‘મારા હાથ તો છે પણ એ મારા ક્યાં હોય છે પછી? કોઈ ચિત્રકાર ચિત્ર દોર્યા પછી પીંછીને ખંખેરે અને એના છાંટા ઊડવાથી ચિત્રમાં બીજા રંગો ભળી જાય એમ આકાશના રંગો એકબીજામાં ભળી ઓગળી રહ્યા છે. ધીમે ધીમે ઘટ્ટ થતું અંધારું નદીના પટમાં રેલાઈ રહ્યું છે. પંખીઓના ટહુકાથી આકાશ સાવ ઓલવાઈ ગયું છે. નદીનો ઢોળાવ ચઢતાં માણસો હાંફી રહ્યા છે. રેંકડીઓ અને દુકાનોના ઘોંઘાટ શમી રહ્યા છે. ગાડીઓની લાંબી કતારો વીખરાઈ રહી છે. નાનાંમોટાં જીવડાંઓનો હવે ધીમો ધીમો અવાજ કાનમાં પ્રવેશી રહ્યો હતો. ક્યારનાય ઘાસમાં, ઝાડમાં અને આભમાં ભરાયેલ જીવડાં હવે બહાર આવી મુક્તિનો શ્વાસ લઈ રહ્યાં હતાં. એકદમ તીણા અને ધીમા અવાજો નદી ઉપર ઊડી રહ્યા હતા. આખો દિવસ તોફાનમસ્તી કરતી, ખળખળ વહેતી નર્મદા જાણે થાકી ગઈ હોય એમ શાંત ઊભી હતી. એની આંખોમાં ઘેન હતું. તો બીજી તરફ મંદિરમાંથી અગરબત્તી અને ઘીમાં બળતી દિવેટ – એક અખંડ જયોતની સુગંધ મારા સુધી આવી રહી હતી. મન એ દિશામાં ખેંચાયું પણ નર્મદાનાં ચરણોથી ઓઝલ થવું મને ગમ્યું નહીં. હું મારો ખાલી થેલો ખોલી બેસી પડ્યો. મારે જાવું તો છે મોટી કોરલ. અહીંથી પાંચ-છ કિ.મી. દૂર છે. જેઓ મને તેડવા આવવાના છે એની અહીં રાહ જોતો હું બેઠો છું.
અહીં એના કાંઠા ઉપર કંઈ કેટલાય ઋષિ-મુનિઓ-તપસ્વીઓ આ સમયે બેઠા હશે, મંત્રોચ્ચાર કરી રહ્યા હશે. ‘નર્મદે હર. નર્મદે હર’ના નાદથી નર્મદાનો કાંઠો ગુંજી રહ્યો હશે અને આ એ જ નર્મદા છે. જેના કાંઠા ઉપર મહાભારત કાળમાં પાંડવો સહિત દ્રૌપદી સ્નાન કરી, મંત્રોચ્ચાર કરી, વિંધ્ય પર્વત તરફ આગળ વધ્યાં હતાં. એ આખેઆખો યુગ મારી આંખો સામે ક્ષણિક જીવંત થઈ ઊઠ્યો. દૂર દૂર સુધી વિસ્તરેલી નર્મદા અત્યારે અંધારું થઈ ઓગળી રહી હતી. પવનમાં ઠંડીનો ચમકારો હતો, હજી ઠંડીની ઋતુ તો ઘણી દૂર ઊભી છે. તેમ છતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. થોડી થોડી વારે આકાશમાંથી અમીછાંટણાં થઈ રહ્યાં હતાં. અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસમાં નર્મદાસ્નાનનું મહત્ત્વ પણ સવિશેષ! કોઈ તીર્થની જાત્રાનું ફળ મળે! તેથી જ હું મોટી કોરલ જવા નીકળ્યો છું. ત્યાં મારા એક સંબંધી રહે છે. દર વર્ષે અધિક માસમાં બોલાવે. આ વખતે સમય મળ્યો અને નીકળી પડ્યો છું. કેટલાયનાં પાપો પોઈને વહેતી રહેતી આ પુણ્યસલિલામાં મારેય મારા પાપ ધોઈને મુક્ત થવું છે. જીવનમરણના ચક્રમાંથી મોક્ષ પામવો છે ! કહેવાય છે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે ! તે પણ મનુષ્યોનાં પાપ ધુએ છે, પણ જ્યારે નર્મદાનાં તો દર્શનમાત્રથી મનુષ્ય મોક્ષને પામે છે. ઉપર આશ્રમમાં રોકાયેલા યાત્રીઓ સિવાય કોઈની ચહલપહલ નથી, નારેશ્વર એટલે જ રંગઅવધૂત મહારાજ ! તેમના નામથી જ આ વિસ્તાર ઓળખાય. આ છે તેમની તપોભૂમિ! આવાં કંઈ કેટલાય તપોવનો, આશ્રમો નર્મદાને કિનારે અડીખમ ઊભા છે. કયારેક લાગે નર્મદા નદી નથી પણ પોતે જ એક મોટો આશ્રમ છે! જયાંં સાધુ-સંતોથી માંડી પરિક્રમાવાસીઓ આશ્રય પામે છે. કહેવાય છે કે મહારાજ રંગ અવધૂત અહીં તપસ્યા માટે આવ્યા ત્યારે અહીંની શાંતિ, એકાંત અને દિવ્ય વાતાવરણથી તેઓ પ્રસન્ન થયેલા અને પછી એક વાંસની ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા હતા. તેમની તપસાધનાનાં મા નર્મદા સાક્ષી! જો કે નર્મદા હજારો લાખો વર્ષોથી કેટલાય વીતેલા યુગોની સાક્ષી બની વહી રહી છે. કંઈ કેટલાંય વેદો, ઉપનિષદો એની નિશ્રામાં રચાયાં હશે, ગવાયાં હશે!
નદીનો વિશાળ પટ ખાલી પડ્યો છે. મારા સિવાય કોઈ દેખાતું નથી પણ દૂર એક કૂતરો તેની પૂંછડી પટપટાવતો મને તાકી રહ્યો છે. એનો આખો દેહ અંધારું થઈ ફેલાઈ ગયો છે. કેવળ એની આંખો ચમકી રહી છે. એની ચમકતી આંખો જોતાં ભયનું એક મોજું મારી ભીતર ઊછળી પડે છે. મને લાગે છે મારે હવે અહીંથી જવાનો સમય થઈ ગયો છે. અને હું મારો થેલો ખભે ભેરવું ત્યાં જ તે મારી તરફ દોડી આવ્યો. હું એકેય શબ્દ બોલ્યા વિના, મૂર્તિ બની આખી આ ઘટનાને જોઈ રહ્યો.
તે મારી પાસે આવી બેસી ગયો. મને ચારે બાજુથી સૂંઘવા લાગ્યો. પછી મારા હાથને હળવેકથી ચાટી રહ્યો. હું ડરી રહ્યો હતો. દૂર બીજાં કૂતરાંના ભસવાના અવાજ પણ મને ડરાવી રહ્યા હતા પણ આ કૂતરો જાણે મને ઓળખતો હોય એમ મારી પાસે આવી ચૂપચાપ બેસી ગયો હતો. નજીકથી જોયું તો એની ચમકતી આંખોમાં કોઈ તપોબળ હતું. કોઈ અદૃશ્ય શક્તિ હતી. જે મને હવે એની તરફ ખેંચી રહી હતી. મનમાં સવાલ થઈ ઊઠ્યો. શું આ રંગ અવધૂત મહારાજની સેવામાં, આશ્રમમાં રહેતો તે તો કૂતરો નથી ને ? પણ એ તો મહારાજના આદેશથી કેટલાંક વર્ષો પહેલાં પોતાનો નશ્વર દેહ છોડી આ કાંઠામાં, નદીના પ્રવાહમાં ઓગળી ગયો હતો!
નદીના પ્રવાહમાં ગતિ આવી હતી. જો કે નદી ક્યાંય દેખાતી નહોતી. અંધારું થઈ તે વહી રહી હતી. હું ઉપર આશ્રમમાં આવ્યો. એક મોટા લીમડાને ઝૂકેલો જોઈ, મારું શિશ પણ ઝૂકી ગયું. મને દૂરથી જોતાં એક ભાઈએ સ્કૂટરનું હૉર્ન વગાડ્યું. હું એ દિશામાં ચાલવા લાગ્યો. નર્મદાને ભીતરમાં ભરી હું અંધારામાં ઓગળી ગયો…

રાકેશ પટેલ

Most Popular

To Top